મેરેથોન બેઠક છતાં અનામતની અાંટી ખૂલી નહીંઃ ‘પાસ’-કોંગ્રેસ ફરી મળશે

અમદાવાદ: કોંગ્રેસ અને ‘પાસ’ વચ્ચે પાટીદારોને અોબીસી અનામત આપવાના મામલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે મેરેથોન બેઠક યોજાઇ હતી. જે મોડી રાતના ૩-૦૦ વાગ્યા સુધી ચાલી હતી. જોકે બેઠકના અંતે કોઇ સ્પષ્ટ ફોર્મ્યુલા પર પહોંચી શકાયું નથી અને ઓબીસી અનામતને મામલે હજુ પણ કોકડું ગૂંચવાયેલું જ રહ્યું છે. જોકે કોંગ્રેસ કે ‘પાસ’ બે પૈકી કોઇ પણ કશું બોલવા તૈયાર નથી.

મેરેથોન બેઠક દરમિયાન કોંગ્રેસ દ્વારા અનામત અંગે ‘પાસ’ને ત્રણ ફોર્મ્યુલા અપાઇ હતી. હવે આ ફોર્મ્યુલાના આધારે ‘પાસ’ ટૂંક સમયમાં નિર્ણય લઇને કોંગ્રેસ સાથે ફરીથી બેઠક યોજશે. આ બેઠક અંતિમ હોઇ તેમાં હાર્દિક પટેલ પણ હાજર રહેશે તેવો દાવો ‘પાસ’ દ્વારા કરાયો છે.

યુપીએ સરકારના પૂર્વ કાયદા પ્રધાન અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ સાથે ‘પાસ’ની બેઠક આમ તો રાત્રે ૯-૦૦ વાગ્યે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે નિર્ધારિત કરાઇ હતી. જોકે દિલ્હીના વિપરીત હવામાનને કારણે કપિલ સિબ્બલ રાત્રે ૧૧-૩૦ વાગ્યે એરપોર્ટ ઊતરીને સીધા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને મોડી રાતના ૩-૦૦ વાગ્યા સુધી ‘પાસ’ સાથે બેઠકનો ધમધમાટ ચાલ્યો હતો.

કોંગ્રેસ તરફથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડિયા તેમજ ઉપપ્રમુખ બાબુ માંગુકિયા હાજર રહ્યા હોવાનું જણાવતાં પક્ષના પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમાર વધુમાં કહે છે સમગ્ર બેઠક હકારાત્મક માહોલમાં થઇ હતી અને હવે કપિલ સિબ્બલ બેઠકનો રિપોર્ટ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સોંપશે અને રાહુલ ગાંધી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ચર્ચા-વિચારણા કરશે અને બે-ત્રણ દિવસમાં ‘પાસ’ સાથે ફરીથી બેઠક યોજાશે. હાલના ૪૯ ટકા ઓબીસી અનામત સાથે છેડછાડ કર્યા વગર બિનઅનામત વર્ગને બંધારણની જોગવાઇ મુજબ અનામત આપવાની નીતિને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે.

જોકે તેમણે કોંગ્રેસ દ્વારા ‘પાસ’ને અપાયેલી ત્રણ ફોર્મ્યુલા વિશે કંઇ પણ કહેવાનો ઇનકાર કરતાં જણાવ્યું હતું કે દેશના જુદા જુદા રાજ્યની અનામતની જોગવાઇ અને હાઇકોર્ટના ચુકાદા આધારિત પેટર્ન ‘પાસ’ સમક્ષ રજૂ કરાઇ હતી.

કોંગ્રેસ અને ‘પાસ’ની બેઠકમાં કપિલ સિબ્બલ દ્વારા પાટીદાર સમાજને ઇબીસી અનામત આપવાની ઓફર કરાઇ હતી, પરંતુ ‘પાસ’ની કોર કમિટીએ ઇબીસી અનામતને ફગાવી દેતાં કોંગ્રેસના અગ્રણીઓને ‘પાસ’થી અલગ બેઠક કરવાની ફરજ પડી હતી. આ બેઠકના અંતે કપિલ સિબ્બલ ‘પાસ’ સમક્ષ ત્રણ ફોર્મ્યુલા લઇને આવ્યા હતા. આ ત્રણેય ફોર્મ્યુલા પર કોંગ્રેસ અને ‘પાસ’ વચ્ચે ફરીથી લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા ચાલી હતી. જોકે બંને પૈકી એક પણ પક્ષ મોડી રાતના ૩-૦૦ વાગ્યા સુધી ચાલેલી બેઠકના અંતે પણ કોઇ સ્પષ્ટ નિર્ણય લઇ શકયા ન હતા. આ મેરેથોન બેઠક બાદ પણ ઓબીસી અનામત અંગે પણ અવઢવની સ્થિતિ યથાવત્ રહી હતી. પ્રદેશ કોંગ્રેસ ભવનની બહાર ઓબીસી અનામત અંગે આજે અંતિમ નિર્ણય લેવાઇ જશે તેવી આશા સાથે ‘પાસ’ના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ મેરેથોન બેઠકની ફળશ્રુતિ નિરાશાજનક આવતાં ફટાકડા લઇને આવેલા કેટલાક કાર્યકરો હતાશ થયા હતા.

દરમિયાન ‘પાસ’ના કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા કહે છે કે, હાર્દિક પટેલને રણનીતિના ભાગરૂપે ગઇ કાલની બેઠકથી દૂર રાખવાનું નક્કી કરાયું હતું. કોંગ્રેસ દ્વારા બેઠક દરમિયાન ઇબીસી અનામતનો આગ્રહ કરાયો હતો, જેને અમે ફગાવી દેતાં કોંગ્રેસના અગ્રણીઓએ આપસમાં ફરીથી બેઠક કરીને ‘પાસ’ સમક્ષ બંધારણીય જોગવાઇ મુજબની અનામતના સંદર્ભમાં ત્રણ ફોર્મ્યુલા આપી છે. જે ગુપ્ત હોઇ હાલ જણાવી શકાય તેમ નથી, પરંતુ આજે આ ફોર્મ્યુલા અંગે હાર્દિક પટેલ સાથે બેઠક થવાની છે. ઉપરાંત કાયદાકીય નિષ્ણાતોની અને સમાજના આગેવાનોનું માર્ગદર્શન લઇને બે દિવસમાં કોંગ્રેસ સાથે ફરીથી બેઠક યોજાય તેવી શકયતા છે. ‘પાસ’ કોંગ્રેસ સમિતિ દ્વારા માન્ય બાબુ માંગુકિયા સહિતના કોઇ પણ આગેવાન સાથે આ છેલ્લી બેઠક કરવા તૈયાર છે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોરને પાટીદાર સમાજને ઓબીસી અનામત આપવા અંગે પૂછતાં તેઓ કહે છે કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી ઇબીસી અનામતની નીતિ અપનાવી છે. બંધારણની જોગવાઇ મુજબ વિધાનસભા, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ સુધી ટકે તેવી ઇબીસી અનામત પાટીદાર સમાજને આપવાનું અમે આવકારીશું.

You might also like