પ્રતિબંધ છતાં પાક. ચેનલે હાફિઝને ટોક શોમાં દર્શાવ્યો

લાહોર: પાકિસ્તાન સરકાર દ્વારા જમાત-ઉદ-દાવા અને લશ્કર-એ-તોયબા જેવાં ત્રાસવાદી સંગઠનોના મીડિયા કવરેજ પર પ્રતિબંધ હોવા છતાં એક ટીવી ચેનલે એક ટોક શોમાં હાફિઝ સઈદને બતાવ્યો હતો. ટીવી ચેનલે હાફિઝ સઈદને ટોક શોમાં રજૂ કરાતાં હવે આ ટીવી ચેનલનું લાઈસન્સ પણ રદ થઈ શકે છે.

જમાત-ઉદ-દાવાના પ્રમુખ અને મુંબઈ ત્રાસવાદી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને એક ખાનગી પાકિસ્તાની ટીવી ચેનલના એક ટોક શોમાં દર્શાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ધ પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ (પીઈએમઆરએ) પાકિસ્તાનની તમામ ટેલિવિઝન ચેનલો પર જમાત-ઉદ-દાવા તેનું ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન ફલાહે-ઈન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઈએ) અને અન્ય ૬૦ જેટલાં પ્રતિબંધિત સંગઠનો અને તેના નેતાઓનાં તમામ કવરેજ પર ગત ૨ નવેમ્બરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ચેનલ ૨૪ પર હાફિઝ સઈદને ૨૭મી જાન્યુઆરીના રોજ એક ટોક શોમાં બતાવવામાં આવ્યો હતો. તેણે પોતાનાં સંગઠનનાં પ્રજાલક્ષી કલ્યાણકારી કાર્યોની ટીવી ચેનલ પર પ્રશંસા કરી હતી. પીઈએમઆરએના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધના આદેશનો ભંગ કરવા બદલ આ ચેનલને એક નોટિસ બજાવવામાં આવી છે. પીઈએમઆરએના અધિકારીએ જણાવ્યું હતું કે અમે ઈલેક્ટ્રોનિક ચેનલોને ચેતવણી આપી હતી કે જો તેઓ આ આદેશનો અમલ નહીં કરે તો તેમની સામે પેનલ્ટી અથવા લાઇસન્સ રદ કરવાં જેવાં પગલાં લેવામાં આવશે.

You might also like