દેશી કુસ્તીના અખાડાઓ પર WWEની નજર

આરલેન્ડો (ફ્લોરિડા): વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (WWE)ની નજર ભારતીય પહેલવાનો અને ત્યાંના દેશી અખાડાઓ પર પડી છે, જ્યાંથી તેઓ મજબૂદ કદ-કાઠી અને શાનદાર કરતબ કરવામાં સક્ષમ યુવાન પહેલવાનોને પસંદ કરવાની તૈયારી કરી રહ્યા છે. જાન્યુઆરીની ત્રીજા સપ્તાહમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇનડોર સ્ટેડિયમમાં આયોજિત WWE લાઇવ શોને મળેલા જબરદસ્ત સમર્થન બાદ તેઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર ભારતીય યુવાનોની સક્રિયતા અને ટેલિવિઝન દર્શકોના મામલામાં અવ્વલ આ મારધાડવાળી કુસ્તીના આયોજકોએ ભારત તરફ નજર કરવાનું મન મનાવી લીધું છે. આના માટે તેઓએ આધુનિક કુસ્તીના પોતાના અખાડામાં ભારતીય પહેલવાનોને લાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પંજાબના કબડ્ડી ખેલાડી રહી ચૂકેલા લવપ્રીત અને હરિયાણાના સતેન્દર પાલ ગામડાના દેશી અખાડામાંથી બહાર નીકળીને અમેરિકાના દક્ષિણ પૂર્વ રાજ્ય ફ્લોરિડાના આરલેન્ડો સ્થિત WWE પરફોર્મન્સ સેન્ટરમાં દુનિયાની સામે કોઈ મોટા આયોજનમાં રજૂ થવાની તૈયારી કરી રહ્યા છે. અહીં ૨૨ વર્ષીય પંજાબી યુવાન સનીને પણ બહુ જ છૂપી રીતે તૈયાર કરવામાં આવી રહ્યો છે. WWEના મુખ્ય કોચ મટ બ્લૂમને ભારતના આ યુવાન પહેલવાન પાસેથી મોટી આશાઓ છે.

WWEના આંકડાઓ અનુસાર એકલા ઉત્તર ભારતના ગંગા-જમુનાનાં મેદાનોમાં લગભગ ૨૦ હજારથી વધુ સક્રિય અખાડા છે. આ અખાડાઓમાં WWEની નજર પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અન્ય પૂર્વનાં રાજ્યોના યુવાન અને પ્રતિભાશાળી પહેલવાનો પર છે. મુખ્ય કોચ બ્લૂમના જણાવ્યા મુજબ અમારા માપદંડ પ્રમાણે ભારતીય પહેલવાનો ખરા ઊતરી રહ્યા છે. પહેલવાનો પસંદ કરનારી ટીમે ત્રણ પહેલવાન ચંડીગઢમાં પસંદ કર્યા હતા.

You might also like