યૌન શોષણ મામલે રામ રહીમને 10 વર્ષ કેદની સજા

રોહતક: બળાત્કારના કેસમાં દોષિત ઠરેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને  10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બાબા રામ રહીમ કોર્ટમાં હાજર રહ્યા હતા. રામ રહીમ કોર્ટમાં ચુપચાપ ઉભા રહ્યા હતા. રામ રહીમે કોર્ટમાં કહ્યું કે મને માફ કરી દો. બંને પક્ષોને 10-10 મિનીટનો સમય આપવામાં આવ્યો હતો. રામ રહીમ હાલ રોહતક જેલમાં બંધ છે અને સીબીઆઇના સ્પેશિયલ જજ રોહતક જેલમાં જ સજાની જાહેરાત કરી છે. સજા પહેલા જ રામ રહીમના સમર્થકોએ હોબાળા મચાવ્યો છે. સિરસાના ફુલકામાં બે વાહનોને આગ લગાડવામાં આવી છે.

કલમ 376, 506, 511 અંતર્ગત રામ રહીમને સજા અપાઇ છે. રામ રહીમને મેડિકલ ચેકિંગ કર્યા બાદ જેલ મોકલાશે. રામ રહીમને સામાન્ય કેદીની જેમ જેલમાં કામ કરવાનું રહેશે.

આ કેસ સાથે રેપના જે કેસમાં રામ રહીમને સજા આપવામાં આવી છે તે દુર્લભ પ્રકારનો કેસ છે અને તેથી તેને કડકમાં કડક સજા થઇ છે. શુક્રવારે થયેલ હિંસાને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર કોઇ કસર છોડવા માગતી નથી અને જેલની આસપાસ જો કોઇ શકમંદ તોફાની જોવા મળે તો તો તેને દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યા હતા. હરિયાણા અને પંજાબમાં ભારતીય સેનાની ર૮ કુમકો તહેનાત કરવામાં આવી છે.

આ કેસ એક રેપનો નથી, પરંતુ પીડિતાનું વારંવાર યૌનશોષણ કરવાનો કેસ હતો. બળાત્કારના આ કેસમાં આરોપીને થોડામાં ઓછી સાત વર્ષની અને વધુમાં વધુ ૧૦ વર્ષની સખત કેદની સજા આપવાની જોગવાઇ હોય છે, પરંતુ કેટલાક દુર્લભ કેસમાં આરોપીને ઉમર કેદની પણ સજા થઇ શકે છે. આ ઉપરાંત અદાલત દંડની સજા પણ ફટકારી શકે છે. સીબીઆઇ રામ રહીમ માટે આજીવન કેદની સજાની માગણી કરી શકે છે.

રોહતક રેન્જના આઇજી નવદીપે જણાવ્યું હતું રામ રહીમને થનારી સજાને ધ્યાનમાં લઇને સુરક્ષાનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તમામ જજના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે. મીડિયાની સુરક્ષા સાથે તેના કવરેજ માટે પણ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેલની અંદર જ કોર્ટ રૂમ તૈયાર કરાયો છે. ડેરાના કોઇ પણ સમર્થકને રોહતક શહેરમાં ઘૂસવા દેવામાં આવશેે નહીં અને રોહતક જિલ્લાની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી.

મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે રોહતક જેેલની સુરક્ષા માટે ટોચના અધિકારીઓની એક ટીમને રવાના કરી હતી. એડીજીપી અને સીઆઇડીના વડા અનિલ રાવ હેલિકોપ્ટર દ્વારા રોહતક પહોંચી ગયા છે અને સુરક્ષા વ્યવસ્થા અંગે સતત સીએમને પોતાનો રિપોર્ટ આપી રહ્યા છે. એટલે સુધી કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. આ માટે ગૃહ મંત્રાલયમાં સ્પેશિયલ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઇ છે. આજે રામ રહીમને સજાના થનારા એલાનને ધ્યાનમાં લઇનેે કેટલાય જિલ્લામાં તમામ શાળા કોલેજો સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

You might also like