અમદાવાદના ડેપ્યુટી મેયરપદે મહિલા બિરાજશે

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલી વખત મહિલા સશકિતકરણ હેઠળ ૫૦ ટકા મહિલા અનામતની જોગવાઈ કરાઈ હતી. જેના પગલે આ વખતે ભાજપના ટોચના હોદ્દેદારો તેમજ નીચલી કમિટીઓમાં ચેરમેનડેપ્યુટી ચેરમેનપદે મહિલાઓનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રહેશે. મેયરપદે ગૌતમ શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેનપદે પ્રવીણ પટેલનું નામ નિશ્યિત થયા બાદ હવે ડેપ્યુટી મેયરપદે દલિત મહિલાને સ્થાન મળશે.

નારણપુરા વોર્ડના વરિષ્ઠ કોર્પોરેટર ગૌતમ શાહ આગામી તા.૧૪ ડિસેમ્બરે યોજાનારી મ્યુનિ.બોર્ડની બેઠકમાં વિધિવત્ ચૂંટાઈ આવશે. જયારે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના વિશ્વાસુ ગણાતા પ્રવીણ પટેલ અગાઉની ધારણા મુજબ રિપીટ થયા છે. હવે ડેપ્યુટી મેયરપદનાં નામોની ચર્ચા ઊઠી છે.ડેપ્યુટી મેયરપદે ભાજપ હાઈકમાન્ડ અગાઉની અસિત વોરાદર્શનાબહેન વાઘેલા અને મીનાક્ષીબહેન પટેલરમેશ દેસાઈની સામાન્યદલિત કે સામાન્યઓબીસીની જોડીની જેમ પુનઃ તેવી જોડીને અજમાવશે.

જેના કારણે ડેપ્યુટી મેયરપદે દલિત કે ઓબીસી ઉમેદવાર હશે. જોકે ૫૦ ટકા મહિલા અનામતથી ડેપ્યુટી મેયરપદે કોઈ મહિલા બિરાજમાન  થશે તેમાં કોઈ શંકાને  સ્થાન નથી. આ સંજોગોમાં સ્ટેડિયમ વોર્ડનાં પ્રમોદાબહેન સુતરિયા અને પાલડીનાં કપિલાબહેન ડાભીની નામની જોરશોરથી ચર્ચા ઊઠી છે. જૂના વાડજમાંથી ઓકટોબર૨૦૧૦માં થોડા મતથી ચૂંટણી હારનાર પ્રમોદાબહેન ‘સ્વચ્છ સામાજિક કાર્યકરની છાપ ધરાવે છે. જૂના વાડજ વોર્ડ રદ થઈને તેના કેટલાક બુથ સ્ટેડિયમ વોર્ડમાં ભળી જવાથી પ્રમોદાબહેન આ વોર્ડમાંથી ચૂંટાયાં છે. તેમની અને પાલડીનાં કપિલાબહેન ડાભી વચ્ચે સ્પર્ધા થશે.

એએમટીએસના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર તુલસીભાઈ ડાભીનાં પત્ની કપિલાબહેન સીધાસાદાં ‘ગૃહિણી છે,પક્ષના નેતાપદે જો ભાજપ હાઈકમાન્ડ કોઈ મહિલાને તકઆપે તો પૂર્વ મેયર મીનાક્ષીબહેન પટેલ ફરીથી કોર્પોરેશનમાં ‘મોભાદાર હોદ્દો મેળવી શકે તેમ છે. તેમની સાથેસાથે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને વ સ્ત્રાલનાં મધુબહેન પટેલ, ચાંદલોડિયા નપાના પૂર્વ પ્રમુખ અને ચાંદલોડિયાનાં કુસુમબહેન જોષી, નવરંગપુરાનાં નંદિનીબહેન પંડ્યા, પાલડીનાં બીજલબહેન પટેલના નામની પણ ચર્ચા ઊઠી છે.

પરંતુ જો કોઈ પુરુષ કોર્પોરેટરને પસંદ કરાશે તો પૂર્વ મેયર અને એએમટીએસના પૂર્વ ચેરમેન એવા વાસણાના અમિત શાહ, પૂર્વ પક્ષના નેતા અને નવા વાડજના આર.ડી. દેસાઈ અને પૂર્વ ડેપ્યુટી મેયર અને ઈન્દ્રપુરીના રમેશ આર. દેસાઈ વચ્ચે સ્પર્ધા થશે.  કોટ વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય લેવાશે તો ખાડિયાના મયૂર દવે અને કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ વચ્ચે હરીફાઈ થશે.

You might also like