બે નાયબ મામલતદાર, બે તલાટી સહિત પાંચ સરકારી બાબુ લાંચ લેતાં ઝડપાયા

અમદાવાદ: રાજ્યના સરકારી વિભાગમાં ફરજ બજાવતા બે નાયબ મામલતદાર, બે તલાટી-કમ-મંત્રી સહિત પાંચ સરકારી બાબુઓને લાંચ-રુશવત વિરોધી બ્યૂરોએ લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઈ અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાની સાયલા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર મહિપાલસિંહ રાણા અને ક્લાર્ક અાશિષ સોલંકીએ સાયલાના ખેડૂત શૈલેશ ગોલાણી પાસે કૂવો બનાવવાની મંજૂરી અાપવા માટે રૂપિયા ૨૦ હજારની લાંચની માગણી કરી હતી, જે રકમ સ્વીકારતાં ક્લાર્ક અાશિષ સોલંકી અાબાદ ઝડપાઈ ગયો હતો. એસીબીએ બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અા ઉપરાંત મહુવાના મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ મામલતદાર એમ. કે. પરમારે અા યોજનાનાં સંચાલક દક્ષાબહેન ચૂડાસમા પાસે કોઈ કામ સબબ રૂપિયા બે હજારની લાંચની માગણી કરી હતી, જે રકમ સ્વીકારતાં નાયબ મામલતદાર પરમાર એસીબીના છટકામાં અાબાદ ઝડપાઈ ગયા હતા.

ભાવનગર જિલ્લાના ભાદ્રોડ ગામના તલાટી-કમ-મંત્રી તથા ગામના સરપંચના પતિએ એક કોન્ટ્રાક્ટર પાસે લાંચની માગણી કરતાં એસીબીએ તલાટી વસંતગીરી અાનંદગીરી ગોસ્વામીને રૂપિયા ૧૨ હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લઈ અા અંગે ગુનો દાખલ કર્યો છે, જ્યારે હિંમતનગર નજીકના સવગઢ પાણપુરના તલાટી-કમ-મંત્રી ફકીર મોહમ્મદ ગુલામનબી મેમણે અા જ ગામના ખેડૂત પાસે પાણીપત્રક કાઢી અાપવા માટે રૂપિયા બે હજારની લાંચની માગણી કરી હતી, જે પૈકી રૂ. ૧૫૦૦ની લાંચ સ્વીકારતાં અા તલાટી એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.

You might also like