આજે નાણાંપ્રધાન નીતિન પટેલ રજૂ કરશે બજેટ, સૌ કોઈને બંધાઈ છે આશા!

આજે 14મી ગુજરાત વિધાનસભાનો બીજો દિવસ છે. વિધાનસભા બજેટસત્રની કાર્યવાહી માટે ગૃહ 12 વાગ્યા આસપાસ શરૂ થશે. આ કાર્યવાહીમાં આજે રાજ્ય સરકારનું નાણા બજેટ રજૂ થશે.

જો કે ગૃહમાં શરૂઆતના તબક્કામાં એક કલાક સુધી પ્રશ્નોત્તરી ચાલશે. જેમાં મુખ્યમંત્રીના સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ,શહેરી વિકાસ, બંદરો, ખાણ- ખનીજ અને પેટ્રોકેમિકલ્સ તેમજ કલાયમેટ ચેન્જ જેવા મુદાઓ પર ચર્ચા થશે.

બીજી બાજુ પોલીસ હાઉસિંગ, બોર્ડર સિક્યોરિટી, સિવિલ ડિફેન્સ જેલ અને નશાબંધી પર પણ ચર્ચા કરવામાં આવશે. જો કે GST લાગુ થયા બાદ રાજ્ય સરકાર પહેલું બજેટ રજૂ કરી રહી છે, જેથી સૌ કોઈની નજર આ બજેટ પર રહેશે.

આ બજેટમાં પેટ્રોલ-ડિઝલના ભાવોને લઈને થતી રજૂઆત પણ લોકોનું ધ્યાન દોરશે. ભાજપની નવી સરકારના આ પ્રથમ બજેટમાં એક કલાકની ચર્ચા બાદ નાણાં પ્રધાન નીતિન પટેલ દ્વારા ગૃહમાં વર્ષ 2017-18ના વર્ષ માટેના ખર્ચ પૂરકપત્રકની રજૂઆત કરવામાં આવશે.

ત્યારબાદ નાણાંપ્રધાન વર્ષ 2018-19 નું અંદાજપત્ર રજૂ કરશે, જેના પર વિપક્ષની સાથે સાથે સૌ કોઈ ગુજરાતીઓની નજર મંડાયેલી રહેશે. જો કે બજેટ પહેલા પણ વિપક્ષ કેટલાક મુદ્દે સરકારને પ્રશ્નોત્તરી કરી શકે છે.

બજેટ 12 વાગ્યે રજૂ થાય તે પહેલા નાણાંપ્રધાન નીતિન પટેલ સંસદ પહોંચી ગયા છે.

You might also like