આર્થિક તંગીથી ડિપ્રેશનમાં આવી યુવકે માતા-પુત્રી સાથે આપઘાત કર્યો

અમદાવાદ: સરખેજના મકરબા રેલવે ફાટક પાસે ગત રાતે ટ્રેન નીચે પડતું મૂકી એક જ પરિવારના ત્રણ સભ્યોએ કરેલા સામૂહિક આપઘાત મામલે સરખેજ પોલીસે મૃતક નિકુલ અને તેની માતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરમાં આર્થિક સંકડામણને કારણે તેણે આ પગલું ભર્યું હતું. પોલીસે હાલ બે સુસાઇડ નોટ કબજે લઇ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ , સરખેજના મકરબા અતુલ્યમ્ એપાર્ટમેન્ટમાં નિકુલ ભરતભાઈ મહેતા (ઉ.વ. 35) તેમના પિતા, માતા ભારતીબહેન(ઉ.વ.55) અને પુત્રી રમ્યા (ઉ.વ.5 )સાથે રહેતા હતા.વીડિયોગ્રાફી અને અન્ય છૂટક કામ કરતા નિકુલભાઈનાં છેલ્લાં એક વર્ષથી પત્ની સાથે છુટાછેડા થઇ ગયા હતા. કામ ધંધો સરખો ન ચાલતો હોવાથી તે ડિપ્રેશનમાં રહેતા હતા. ગઈકાલે રાત્રે નવ વાગ્યાના અરસામાં નિકુલભાઈ તેમની માતા અને પુત્રીને સ્કૂટી પર બેસાડી અને મકરબા રેલવે સ્ટેશન પાસે આવેલ રેલવે ટ્રેક પાસે ગયાં હતાં. ત્રણેય ચાલતા ચાલતા ટ્રેક પાસે ગયા અને નિકુલભાઈ અને તેમની માતાએ પાંચ વર્ષની રમ્યાને હાથમાં રાખી બોટાદથી ગાંધીગ્રામ આવી રહેલી ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું.
સામૂહિક આપઘાતની ઘટનાથી આ વિસ્તારના રહીશોમાં અરેરાટી ફેલાઈ હતી. મૃતક નિકુલભાઈ પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. સ્યુસાઈડ નોટના આધારે ઘરમાં આર્થિક સંકડામણના કારણે સામૂહિક આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. હાલ પાંચ વર્ષની બાળકીને સાથે રાખી અને આપઘાત કરતા સરખેજ પોલીસે માતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
http://sambhaavnews.com

You might also like