જન ધન ખાતાનું બેલેન્સ 97,665 કરોડઃ ટૂંકમાં રૂ. એક લાખ કરોડને વટાવી જશે

જન ધન ખાતામાં બેલેન્સ ટૂંક સમયમાં રૂ. એક લાખ કરોડ સુધી પહોંચી શકે છે. સરકારના આંકડા અનુસાર ૩ એપ્રિલના રોજ જન ધન ખાતામાં રૂ. ૯૭,૬૬૫ કરોડ હતું, જ્યારે એક સપ્તાહ અગાઉ એટલે કે ૨૭ માર્ચના રોજ આ બેલેન્સ ૯૬,૧૦૭ કરોડ રૂપિયા હતું. આમ, જે રીતે જન ધન ખાતામાં બેલેન્સ વધી રહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે તેનું બેલેન્સ હવે ટૂંક સમયમાં રૂ. એક લાખ કરોડને વટાવી જશે. દેશભરમાં કુલ ૩૫.૩૯ કરોડ જન ધન ખાતાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે બજેટ બાદ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી જન ધન યોજના સાથે સંકળાયેલા ખાતાંધારકોની ઓવરડ્રાફ્ટની સુવિધા બમણી કરીને રૂ.૧૦,૦૦૦ કરાઇ છે. પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરૂઆત ૨૮ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ કરાઇ હતી, તેની પાછળનો હેતુ દરેક ઘરને બેન્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો. અત્યાર સુધીમાં ૨૭.૮૯ કરોડ ખાતાંધારકોને ડેબિટ કાર્ડ પણ ઈશ્યૂ કરવામાં આવી ચૂક્યાં છે.

સરકાર આ યોજનાને લઇને ખૂબ ઉત્સાહિત છે. આ જ કારણસર એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ કવર રૂ. એક લાખથી વધારીને બે લાખ કરી દેવાયું છે. આ સુવિધા માત્ર એવાં ખાતાંધારકો માટે છે, જેમણે ૨૮ ઓગસ્ટ, ૨૦૧૮ બાદ ખાતાં ખોલાવ્યાં હોય. સરકાર હવે ઘરના બદલે વ્યક્તિગત સ્તરે આ યોજના લાગુ કરી રહી છે.

આ યોજના હેઠળ સિનિયર સિટીઝન્સના ખાતાં ખોલાવવાં પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. યોજનામાં ૫૦ ટકા ખાતાંધારકો મહિલાઓ છે. ૫૯ ટકા ખાતાં ગ્રામીણ વિસ્તારોમાં ખોલવામાં આવ્યાં છે. આ ખાતાંઓ દ્વારા ખાતાંધારકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો પણ લાભ અાપવામાં આવે છે. છેલ્લાં ચાર વર્ષમાં સમગ્ર દુનિયામાં ૫૧.૫ કરોડ બેન્ક ખાતાં ખૂલ્યાં છે જેમાંથી ૩૫.૮૯ કરોડ જન ધન ખાતાં છે.

You might also like