સરકારી કર્મી સામે ખાતાકીય તપાસમાં શબ્દોની રમત, ચાલાકી નહીં ચાલે

અમદાવાદ: ગુજરાત સરકારમાં કામ કરતા કોઇ પણ સરકારી કર્મચારી કે અધિકારી સામેના ખાતાકીય આક્ષેપો કે આરોપોના મામલે થતી ખાતાકીય તપાસના મામલે રાજ્ય સરકારે એકસૂત્રતા જાળવવા માટે આરોપનામા માટેનું ફોર્મેટ સરકારે જાહેર કરેલા ફોર્મેટ મુજબ જ હવે પછી જે તે વિભાગના તમામ તપાસ અધિકારીએ વિગતો દર્શાવવાની રહેશે અને તે પ્રમાણે જ સરકારી કર્મચારીની ખાતાકીય તપાસ માટેની કાર્યવાહી આગળ ચલાવવાની રહેશે.

ખાતાકીય કાર્યવાહીમાં દરેક વિભાગની જુદી જુદી કક્ષાએ અર્થઘટનના મામલે થતી અસમંજસતાના કારણે આરોપ સાબિત કરવામાં વિલંબ થતો હતો. ઉપરાંત પુરાવાના સંકલનનો અભાવ કે તેનું ખોટું અર્થઘટન, બચાવનામામાં બેદરકારી કે સમયસર રજૂ કરવામાં દાખવવામાં આવતી બેકાળજી જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હતા, જેના કારણે ખાતાકીય તપાસ ચાલી રહેલી હોય તેવા કર્મચારી કે અધિકારીની સામેના આરોપ કે આક્ષેપ સાબિત કરવામાં પડતી મુશ્કેલી પડતી હતી. સરકારે હવે ન્યાયિકતાના મુદ્દે તપાસ અંગેનું આરોપનામું બનાવવાનો મુસદ્દો પરિપત્ર દ્વારા જાહેર કરી દીધો છે જેનાે સમાન કક્ષાએ અમલ કરવાનો રહેશે.

જેથી હવે પછી ખાતાકીય તપાસના મુદ્દે રાજ્યના કોઇ પણ કર્મચારી કે અધિકારીના મામલે એકસૂત્રતા જળવાઇ રહેશે અને શિસ્ત અધિકારીને આરોપનામું ઘડવામાં પૂરતું માર્ગદર્શન મળી રહેશે. તમામ સંબંધિત ખાતામાં ફોર્મેટ પ્રમાણે એકસરખો રિપોર્ટ રજૂ થવાના કારણે કોઇ પણ ભ્રષ્ટ અધિકારી કે કર્મચારી છટકી શકશે નહીં અને તે જ પ્રમાણે જો તેઓ નિર્દોષ હશે તો નિષ્પક્ષ ન્યાય પણ મેળવી શકશે. મુસદ્દા મુજબ જે તે કર્મીએ આરોપના જવાબમાં તેનું લેખિત બચાવનામું ૧૫ દિવસમાં રજૂ કરી દેવું પડશે, નહીં તો આગળની કાર્યવાહી એકપક્ષીય હાથ ધરાશે.

જે તે કર્મી માટેના આરોપનામાની સાથે આરોપોનું વિવરણ પત્રક, પુરાવા પત્રક, સાક્ષીઓની યાદી, ગેરરીતિ, અનિયમિતતા કે ક્ષતિ બાબતે સ્પષ્ટ આરોપો ઘડવા પૂરી કાળજી રાખવી પડશે એટલું જ નહીં આરોપને પુરવાર કરવા માટે જરૂરી સંલગ્ન તમામ દસ્તાવેજો આરોપનામાની સાથે જોડવાની કાળજી રાખવી પડશે. આરોપના સમર્થનમાં જરૂરી કાગળો, ફાઇલો, દસ્તાવેજોની નકલ સહિત સાક્ષીઓની યાદી પણ ચોક્કસ જાહેર કરાયેલા ફોર્મેટમાં રજૂ કરવી પડશે.

આરોપનામું ઘડવામાં શિસ્ત અિધકારીને માર્ગદર્શન મળી રહે તે હેતુથી નિયત નમૂનાઓ નિયત કરાયા છે, જેમાં શિસ્તના નિયમ ૯ અને ૧૦/૧ હેઠળ તપાસ કરવાનું નક્કી કરાયું હોવા અંગેનો જે તે કર્મીને પત્ર, વિવરણ પત્રક, દસ્તાવેજોની યાદી, અહેવાલ, પુરાવા પત્રક, સાક્ષીઓની યાદી, અધિકારી નિવૃત્ત થઇ ગયા હોય તો તેની વિગત વગેરે માહિતી ચોક્કસ ફોર્મેટમાં જે તે અધિકારીએ વિભાગમાં રજૂ કરવાની રહેશે.

You might also like