હવામાન વિભાગની અાગાહી મુજબ અાશા રાખીએ કે અાવતીકાલે પવન સાથ અાપે

અમદાવાદ: આવતીકાલે આખ્ખું અમદાવાદ ઉત્તરાયણની મજા લૂંટવા ધાબે ચઢશે. શહેરનું આકાશ રંગબિરંગી પતંગોથી છવાઈ જશે અને પતંગશોખીનોની ‘કાઈપો છે’ની બુમોથી ગાજી ઊઠશે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી પવન પતંગ ચગાવવાની મજામાં ‘વિલન’ બનતો આવ્યો છે. આ વખતે હવામાન વિભાગ દ્વારા પવન અનુકૂળ રહેશે તેવી આગાહી કરી છે. જેના કારણે ઉત્તરાયણમાં હવામાન વિભાગની આગામી મુજબ પવન અનુકૂળ રહે તેવી પતંગરસિયાઓને આશા છે.
છેલ્લા કેટલાક વર્ષના ઉત્તરાયણના પવન અંગેની હવામાન વિભાગની આગાહીના પતંગ શોખીનોને કડવા અનુભવ રહ્યા છે. જો હવામાન વિભાગ કહે કે, પવન અનુકૂળ રહેશે તો પતંગ રસિયાઓના ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે હાથના બાવડા ઠુમકા મારી મારીને દુઃખી જાય છે.

આડા દિવસોમાં પવન સડસડાટ વાતો હોય છે, પરંતુ દશેરાના દિવસો ઘોડું ન દોડે તેમ ઉત્તરાયણના દિવસે જ પવન પડી જાય છે. હવામાન વિભાગ પણ સારા પવનની આગાહી કરીને ભોઠું પડે છે. સ્થાનિક હવામાન વિભાગની કચેરીના હવામાન શાસ્ત્રી મનોરમા મોહંતી કહે છે, “આવતીકાલના ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને ઉત્તર પશ્ચિમથી ઉત્તરની દિશા ધરાવતો આશરે પ્રતિકલાક ૧૦થી ૨૦ કિમીની ઝડપ ધરાવતો પવન મળશે. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ ઉત્તર પૂર્વથી ઉત્તરની રહેશે. વાસી ઉત્તરાયણએ પણ પતંગ રસિયાઓને પ્રતિ કલાક ૧૦થી ૨૦ કિમીની ઝડપ ધરાવતો પવનનો લાભ મળશે.”

ગઈ ઉતરાયણમાં સીટીએમ-મણિનગરમાંથી સૌથી વધુ ઈમરજ્સી કોલ મળ્યા હતા
તહેવારના સમયે ઈમર્જન્સીની સેવા આપતી એમ્બ્યુલન્સની દોડધામ પણ વધી જતી હોય છે. તહેવારોના સમય દરમ્યાન સૌથી વધુ કોલ 108 ઈમર્જન્સી સેવાને મળતા હોય છે. વર્ષ 2015ની ઉત્તરાયણ સમયે સૌથી વધારે ઈમર્જન્સી કોલ મ‌િણનગર, ખોખરા અને સી.ટી.એમ. વિસ્તારમાંથી જોવા મળ્યા હતા. જ્યારે આ વર્ષે બાપુનગરથી ખોખરા, શાહઆલમ, સી.ટી એમ. અને નિકોલ પાસે એમ કુલ નવી ચાર એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે. ગત વર્ષે ઉત્તરાયણ તહેવારો દરમિયાન નવસારી જિલ્લામાં 14 જાન્યુઆરીએ 78, 15 જાન્યુઆરીએ 95 કેસો નોંધાયા હતા. જે રોજબરોજ બનતા બનાવો કરતાં 30 ટકા જેટલા વધારે જોવા મળે છે. આ વર્ષે 108 ઈમર્જન્સી સર્વિસ દ્વારા 14 જાન્યુઆરીએ 35 ટકા અને 15 જાન્યુઆરીએ 21 ટકાનો વધારો અંદા‌િજત કોલ્સમાં વધારો જોવા મળશે. 108 ઈમર્જન્સી સેવા જી.વી.કે. ઇ.એમ.આર.આઇ.ના જશવંત પ્રજાપતિએ જણાવ્યું કે 552 જેટલી એમ્બ્યુલન્સના તેમજ ઇમર્જન્સી ઓફિસર અને ડોકટરોના કાફલો સાથે 108 સેવા દરેક કોલને પ્રતિસાદ આપવા હંમેશાં તત્પર હોય છે.’

You might also like