દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદરઃ ૩૦ ગાડીઓ ટકરાઈ, ૨૫ લોકો ઘાયલ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી ગઈ કાલે આખો દિવસ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ રહી. અહીં રસ્તાઓની સાથે-સાથે એર ટ્રાફિક પર પણ અસર થઈ હતી. બીજી તરફ સોનીપત-ગાઝિયાબાદ કેજીપી પર લગભગ ૩૦ વાહન અરસપરસ ટકરાઈ ગયાં હતાં, જેમાં ૨૫ લોકો ઘાયલ થયા હતા.

દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસના કારણે ગઈ કાલે સવારે લગભગ સાડા ત્રણ કલાક ફ્લાઈટ સંપૂર્ણપણે બંધ રહી હતી. એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે સવારે ૫.૩૦ વાગ્યાથી કેટ૩સી લાગુ થઈ ગયો અને લગભગ ૯.૩૦ વાગ્યા સુધી આ સ્થિતિ રહી હતી. આ દરમિયાન ઓછી વિઝિબિલિટીના કારણે વિમાન રોકી દેવામાં આવ્યાં. વચ્ચે-વચ્ચે એકાદ ઉડાન જારી રહી. બે વિમાનને ઊતરવા માટે અન્ય જગ્યાએ મોકલવા પડ્યાં. કેટલાય કલાકો માટે ઉડાનમાં મોડું થવાના કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટને અસર થઈ હતી.

સોનીપત-ગાઝિયાબાદ કેજીપી પર ગાઢ ધુમ્મસના કારણે સોનીપત સ્થિત ટોલ પ્લાઝાથી થોડા અંતર પર યમુના પુલ ઉપર ૩૦ ગાડીઓ અરસપરસ ટકરાઈ અને ૨૫ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલનો ઈલાજ સોનીપતની હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પહેલાં એક ગાડી ટકરાઈ. ત્યારબાદ લાઈનમાં આવેલી ૩૦ ગાડીઓ અરસપરસ ટકરાઈ ગઈ હતી.

બાગપત પોલીસે સમયસર પહોંચીને ઘાયલને હોસ્પિટલ પહોંચાડ્યા અને ગાડીઓને રસ્તા પરથી હટાવી. આ માર્ગ પર ટ્રાફિક જામ થયેલો હતો. અન્ય દુર્ઘટનામાં સોનીપત જિલ્લાના પીપલી ગામ પાસે શુક્રવારે સવારે ધુમ્મસના કારણે સ્કૂલનાં બાળકોને લઇ જઈ રહેલી ક્રૂઝર જીપ અને ટ્રક ટકરાતાં પાંચ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, તેમાંથી એક વિદ્યાર્થીની હાલત ગંભીર છે. ઈલાજ માટે તેને પીજીઆઈ રોહતકમાં દાખલ કરાયો છે.

You might also like