સોરી, એક પણ રૂમ ખાલી નથી! શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયાના હજારો કેસ…

અમદાવાદ: કોર્પોરેશનના સત્તાવાળાઓએ શહેરમાં ઘાતક ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયાએ સપ્ટેમ્બરના પ્રારંભમાં ભયાનક રીતે માથું ઉઠાવ્યું ત્યારે જ ચેતી જવાની જરૂર હતી. પરંતુ તંત્ર કઠોર વાસ્તવિકતાનો સામી છાતીએ સામનો કરવાની હિંમત દાખવવાને બદલે ભાગેડુવૃત્તિ દાખવીને ‘સબ સલામત’નાં ઢોલ-નગારાં વગાડવામાં મશગૂલ રહ્યું. સત્તાધીશોએ નાગરિકોની આંખમાં ધૂળ ફેંકવાની મેલી રમત ચાલુ રાખીને મચ્છરજન્ય રોગચાળાના સાચા આંકડા મીડિયાથી પણ છુપાવ્યા. આનું દુષ્પરિણામ એ આવ્યું કે આજે શહેરની ખાનગી હોસ્પિટલોમાં પણ ડેન્ગ્યુ ગ્રસ્ત માસૂમ બાળકો સહિતના દર્દીઓની સારવાર માટે પથારી મળતી નથી. ડેન્ગ્યુ-મેલેરિયાના દર્દીને લઈને તેમનાં ચિંતાતુર માતા-િપતા કે વાલીઓને પોતાના વોર્ડથી દૂર દૂરના વોર્ડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા બેબાકળા થઈને ફરવું પડે છે.

મ્યુનિ. તંત્રના માટે ડેન્ગ્યુ, મેલેરિયાનો રોગચાળો સચ્ચાઈથી ભાગતા ફરવાથી હાથના કર્યા હૈયે વાગ્યા જેવો તો બન્યો છે પરંતુ અમદાવાદીઓનો મરો થઈ ગયો છે. આકરી મોંઘવારીમાં માંડ માંડ ટૂંકા પગારમાં ઘરના વ્યવહારોના બે છેડા મેળવવાની કોશિશ કરતા સામાન્યજનો માટે ડેન્ગ્યુ-મેલેરિયાનો પ્રકોપ ભૂકંપ કે સુનામીથી ઓછો નથી. કેમ કે સામાન્ય માણસોનાં ઘરનાં બજેટને જ આ રોગચાળાએ કઠોરતાથી છિન્નભિન્ન કરી દીધું છે. તેમ છતાં નિર્દોષ બાળકો ડેન્ગ્યુમાં સપડાઈ રહ્યાં હોઈ ઘરના મોભીને ક્યાંકથી ઉછીના-પાછીના લાવીને પોતાના લાડકવાયાના ઉપચાર માટે દોડાદોડી કરવી પડે છે. નઘરોળ તંત્રના કારણે શહેરમાં આ રોગચાળો એટલી હદે બેકાબૂ બન્યો છે કે મ્યુનિ. હોસ્પિટલ તો છોડો પણ ખાનગી હોસ્પિટલમાં પણ પગ મૂકવાની જગ્યા નથી રહી.

ખાનગી હોસ્પિટલના સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમની બહાર હાઉસફુલનાં પાટિયાં ઝૂલી રહ્યાં છે. કોઈ દર્દીને સમયસર સારવાર અપાવવા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો હોય તો પણ તેને લઈને પાંચ-પાંચ, સાત-સાત હોસ્પિટલમાં રીતસરનું ભટકવું પડે છે અને ત્યારબાદ ક્યાંક કોઈક દૂરની હોસ્પિટલમાં મેળ પડે છે. પોતાનાં ઘરથી દૂરની હોસ્પિટલના રોજના બાઈક-રિક્ષાના ફેરા કરવામાં મા-બાપ કે વાલીના પર્સના આંટા આવી જાય છે! અમદાવાદમાં આજની તારીખમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના હજારો હજારો કેસ છે. આવી બિહામણી સ્થિતિ પર અંકુશ મૂકવા તંત્ર પાસે કે શહેરના શાસકો પાસે કોઈ આગોતરું આયોજન જ ન હતું!

કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, ઉચ્ચ પદાધિકારીઓ બધા જ ઊંઘતા ઝડપાય છે. કોર્પોરેશને તો આ રોગચાળા સામે રીતસરના હાથ ઉંચા કરીને હવે આયુર્વેદિક ઉકાળાનું શરણું લીધું છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, વિવિધ કમિટીઓના ચેરમેન અને ધારાસભ્યો જે તે આયુર્વેદિક ઉકાળનાં વિતરણનાં કેન્દ્રમાં ઉપસ્થિત રહીને નાગરિકોને સ્વહસ્તે ઉકાળો પીવડાવી રહ્યા છે અને હેલ્થ વિભાગ હાસ્યાસ્પદ રીતે જે તે કેન્દ્રના ઉકાળાના લાભાર્થીઓની સંખ્યા દર્શાવતી અખબારી યાદીમાં રોજેરોજ પ્રસિદ્ધ કરી રહ્યું છે. આના બદલે ડેન્ગ્યુ-મેલેરિયા કે ચિકનગુનિયાના કેસની સાચી સંખ્યાની યાદી રોજે રોજ પ્રસિદ્ધ કરીને તે દિશામાં ગણતરીપૂર્વકનાં ડગલાં ભર્યંા હોત તો આજે અમદાવાદીઓ આટલી હદે ભયભીત થયા ન હોત. ડેન્ગ્યુ-મેલેરિયાના કેસની આંકડા જાણવા હેલ્થ િવભાગના ઈન્ચાર્જ ડો. ભાવિન સોલંકીનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેઓ ફોન ઉપાડવાની તસદી લેતાં નથી.

ખાનગી લેબોરેટરીઓને તડાકો પડ્યો
શહેરમાં ડેન્ગ્યુ અને રોગચાળો બેફામ બન્યો હોઈ સામાન્ય નાગરિકોનાં ખિસ્સાંને પણ ખાલી કરી રહ્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં બેડની જગ્યા નથી તો ખાનગી લેબોરેટરીઓને તડાકો પડ્યો છે. ડેન્ગ્યુના કોમ્બો ટેસ્ટ માટે ખાનગી લેબવાળા રૂ. બેથી સવા બે હજારનો આકરો ચાર્જ વસૂલી રહ્યા છે. દર્દીનાં સગાં સંબધીને છૂટકે-નછૂટકે આવો આકરો ચાર્જ ચૂકવવાની ફરજ પડી રહી છે.

You might also like