500-1000ની નોટ પર પ્રતિબંધ, સુરતના વેપારીઓએ કરી મોદીની ટીકા…

સુરત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કાળું નાણું બહાર કાઢવા 50 દિવસ માટે 500-1000ની ચલણી નોટ ઉપર મૂકેલા પ્રતિબંધના કારણે શહેરના વેપારીઓમાં ખાસી નારાજગી જોવા મળી છે. મોટા ભાગે થતાં રોકડ વ્યવહારના કારણે 500-1000ની નોટોનો કઇ રીતે નિકાલ લાવવો તેની વેપારીઓમાં ચિંતા વધી ગઇ હતી. શહેરના વિવિધ ક્ષેત્રના વેપારીઓએ મોદી સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરવાની સાથે અઠવાડિયા સુધી વેપાર સ્ટેન્ડબાય મોડ પર જતો રહેવાની ચિંતા વ્યક્ત કરી હતી. જોક યુવા વર્ગ આ નિર્ણયથી કાળું ધન બહાર આવે તેવી આશાઓ સાથે ખુશખુશાલ જણાતો હતો અને જે ખુશીની ઝલક રાતભર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારના એસએમએસ દ્વારા જોવા મળતી હતી.

ટેક્સટાઇલ-જ્વેલરી ઉદ્યોગ માટે કપરા દિવસો…
દિવાળી પછી શહેરના ટેક્ષટાઇલ તેમજ જ્વેલરી સેક્ટર માટે લગ્નની સીઝનના કારણે વેપારમાં તેજી હોય છે. જ્વેલરી મેન્યુફેકચરકીંગ અને રીટેલમાં છૂટી-છવાઇ ખરીદીની શરૂઆત પણ જોવા મળી હતી. સારા મૂર્હુતના કારણે રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ બુકિંગનો પ્રારંભ થઇ જતો હોય છે. ઓટોમોબાઇલ્સ ક્ષેત્રે પણ સામાન્ય દિવસમાં 300 કરોડથી વધુનો સુરતનો વેપાર થતો હોય છે. જો કે મોદી સરકારના નિર્ણય બાદ મોડી રાતથી શહેરના વેપારી વર્ગ માટે રડવાનો વારો આવ્યો હતો.

બહાર ગામ ફરવા ગયેલા શહેરીજનો ફસાયા
વેકેશનના પગલે શહેરના ઘણા લોકો જેમાં વેપારી વર્ગની સાથે સામાન્ય પ્રજા પણ બહારગામ ફરવા ગઇ છે. જેમાં મોટા ભાગના લોકો પાસે 500-1000ની નોટના કારણે જાહેર જગ્યાઓ પર ટ્રાન્ઝેક્શન અટકશે. જેને પગલે મોડી રાતથી મિત્રો-સગાસબંધીઓ પાસેથી 100 રૂપિયાનું બંડલ મગાવાની કવાયત શરૂ થઇ ગઇ હતી. ઓળખીતાઓ પાસેથી નાણાં મંગાવવાના કિસ્સાઓ શહેરમાં ચર્ચાયા હતા.

મોડી રાત સુધી જ્વેલર્સએ શો-રૂમ ખુલ્લા રાખ્યા
500-1000ની નોટ વટાવવા માટે શહેરીજનોની ભીડ પેટ્રોલ પંપ ઉપરાંત જ્વેલરી શો-રૂમ પર પણ ઉભરાઇ હતી.તેનો ફાયદો લેવા જ્વેલર્સે સોનાની લગડી પર ઓન લેવાનું વસુલ કરી દીધું હતું. મંગળવારે સોનાની લગડીનો ભાવ 3.08 લાખ હતો જેના બદલામાં જ્વેલર્સે 3.28 થી લઇને 3.38 સુધી ઓન વસુલ્યુ હતું.

લગ્નના મૂરતિયાઓ બન્યા ચિંતાતુર
હાલ દિવાળી બાદ નવેમ્બર અંતથી શરૂ થતી લગ્નસરાંની ખરીદી શરૂ થઇ ગઇ છે. એવામા આમ જનતા પાસે પણ 500-1000ની ચલણી નોટ સામન્ય રીતે મળી જતી હોય છે. રાત્રિના 12 વાગ્યા પછી 500-1000ની નોટ પર પ્રતિબંધ આવી ગયો. જેના કારણે ખર્ચને કઇ રીતે પહોંચી વળવું તેની ચિંતામાં મૂરતિયાઓએ રોષે પ્રગટ કર્યો હતો.

લગ્નસરાંની સીઝનને મોટો ફટકો
લગ્નસરાંની સીઝન અને રાત્રિના 12 વાગ્યા પછી 500-1000નીનોટ પરના બંધના કારણે જ્વેલર્સનો તો મરો થયો છે. માંડ-માંડ ખરીદી નીકળી એવામાં પ્રથમ લગ્નસરાંની સીઝનની જેમ આ સીઝનમાં પણ વકરો અટકી જશે.

પેટ્રોલ પંપ પર 500નું પેટ્રોલ ભરાયું: છૂટા આપવા ઇનકાર
છૂટાની માંગણીના કારણે 500-1000ની નોટના બદલામાં પેટ્રોલ પંપથી પણ છૂટા આપવાનો ઇનકાર કરી દીધો હતો. શહેરના તમામ પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો જોવા મળી હતી. ચોક બજાર,અડાજણ, સીટીલાઇટ સમેત શહેરના અન્ય કેટલાંક પેટ્રોલ પંપ પર ‘500 રૂપિયા છે તો 500નું પેટ્રોલ મળશે ખુલ્લા નહી આપીયે’ તેવુ વાહનધારોકને કહેવામાં આવતા ભારે મુશ્કેલી જોવા મળી હતી.

કાયદો વ્યવસ્થા જાળવવા બંદોબસ્તની ગોઠવાશે
કાળુ નાણુ બહાર લાવવા અને ભ્રષ્ટાચારીઓ પર અંકુશ મેળવવા માટે રૂ.500 અને 1000ની નોટ બંધ કરવાના નિર્ણયને પગલે ગૂરૂવારથી બેંકમાં નોટો જમા કરાવવા માટે લોકોનો ધસારો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યુ હતુ કે આ માટે બંદોબસ્ત ગોઠવવા બાબતે અમે આયોજન કરી રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે બંદોબસ્તનુ આયોજન કરીશું

You might also like