વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત : 130 જેટલી દુકાનો તોડી પડાઇ

વડોદરા : મહાનગર પાલિકા દ્વારા આજે શહેરના માંડવીથી પાણીગેટ તરફ વન-વે ના માર્ગ પર રસ્તામાં અડચણ રૂપ વચ્ચે આવતી 130 જેટલી દુકાનો આજે તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના જુના શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જેમાં આજે દબાણ શાખાએ 130 જેટલી દુકાનોના દબાણો તોડી પાડવાની કામગીરી આરંભી છે. ચાર દરવાજા અતિ સંવેદનશીલ વિસ્તાર છે. ત્યારે દબાણ તોડવાની કામગીરીમાં કોઈ અડચણ ઉભી ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે સવારના 9 વાગ્યાથી દબાણ તોડવાની કામગીરી હાથ ધરી છે.

માર્ગમાં આવતી અન્ય 30 દુકાનોએ હાઇકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોય તે દુકાનો તોડવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે. જ્યારે બાકીની 130 દુકાનો આજે તોડી પાડવામાં આવશે. સ્થાનિકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો તોડવાના કામે લાગ્યા હતાં.

તાજેતરમાં મ્યુનિસિપલ કમિશ્નર ડો. વિનોદ રાવ દ્વારા આગામી હિસાબી વર્ષના બજેટમાં હેરિટેજ સીટીના વિકાસ માટે ચાર દરવાજા વિસ્તારને દબાણમુક્ત કરવાની ખાતરી આપી હતી. જ્યારે આ કામગીરીની શરૂઆત બજેટની મંજૂરી પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે. પાણીગેટથી માંડવી તરફના માર્ગ પર દબાણો દૂર થતાં રસ્તો પહોળો થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમ લાગી રહ્યું છે.

You might also like