સિન્થેટિક કાપડના ભાવમાં વધારો થતાં માગ ઘટીને અડધી થઈ ગઈ

અમદાવાદ: જીએસટી અમલને એક વર્ષ પૂરું થઇ રહ્યું છે. તેમ છતાં ટેક્સટાઇલ અને ડાયમંડ સેક્ટરમાં મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લેતી. પાવરલૂમના કારોબારને તેની સીધી અસર થઇ છે. એટલું જ નહીં ક્રૂડમાં આવેલા વધારા બાદ સિન્થેટિક યાર્નના ભાવમાં સાતથી દશ ટકાનો વધારો થતાં કાપડ બજાર પર તેની અસર જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે સિન્થેટિક યાર્નના ઉત્પાદન અને વેચાણ પર જુદા જુદા તબક્કામાં જીએસટીના અલગ અલગ દર હોવાના કારણે તેની સીધી અસર જોવા મળી છે. પાવરલૂમ સેક્ટરમાં જીએસટી વ્યવસ્થા અંતર્ગત ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ મેળવવામાં હાલ રોક લગાવી દીધી છે અને તેના કારણે કપડાના વેપારીઓને અસર થઇ છે.

નોંધનીય છે કે કાપડ ઉપર જીએસટી લાગુ થયા પૂર્વે કોઇ ટેક્સ લાગતો ન હતો, પરંતુ હવે પાંચ ટકા ટેક્સ લાગે છે. અમદાવાદ સહિત સુરતના દોઢ લાખથી વધુ વેપારીઓ છે. ૯૦ ટકાથી વધુ વેપાર નાના અને મધ્યમ કદના વેપારીઓ પાસે છે. ઊભી થયેલી પરિસ્થિતિના પગલે નાના વેપારીઓને ધંધો બંધ કરવાનો વારો આવ્યો છે.

સુરતમાં પાછલા વર્ષે આ સમયે રોજનું ચાર કરોડ મીટર સિન્થેટિક કાપડનું ઉત્પાદન થતું હતું તેમાં હાલ મોટો ઘટાડો નોંધાયો છે. જેના પગલે રોજગારીને પણ અસર થઇ છે. જીએસટી પહેલા અમદાવાદ સહિત સુરતમાં આ સેક્ટર સાથે સીધી યા આડકતરી રીતે ૩૦થી ૪૦ લાખ કારીગરો કામ કરતા હતા તેમાં ઘટાડો નોંધાઇને હાલ સાતથી ૧૦ લાખ કારીગરો હાલ કામ કરે છે.

સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા પ્રમાણે અગાઉ છથી સાત મીટર એવરેજ મહિલાઓની સિન્થેટિક કાપડની અને સલવાર સૂટની માગ રહેતી હતી, જેમાં ઘટાડો નોંધાઈને અડધી થઇ ગઇ છે.

સુરત અને અમદાવાદમાં એક અંદાજ મુજબ સાત લાખથી વધુ પાવરલૂમ ફેક્ટરીઓ હતી, જેમાંથી એક લાખ પાવરલૂમ ફેક્ટરીઓ અગાઉ વેચાઇ ચૂકી છે, જ્યારે વધુ ૨૦થી ૩૦ ટકા ફેક્ટરીઓ બંધ થવાની તૈયારીમાં છે તેવું અમદાવાદ ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા અગ્રણીનું કહેવું છે.

તેમના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ભાવમાં વધારો થવાના કારણે તથા કાપડની ઊંચી પડતરાના કારણે સિન્થેટિક યાર્નના વેપાર પર સીધી અસર જોવા મળી છે.

You might also like