ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લેવા માગ

(એજન્સી) નવી દિલ્હી: મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની બાબતમાં ચીનની અવળચંડાઇ પર સમગ્ર દેશનો આક્રોશ ભડકી ઊઠ્યો છે. સમગ્ર દેશ ચીન વિરુદ્ધ આક્રમક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યું છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આર્થિક શાખા સ્વદેશી જાગરણ મંચે (એજેએમ) પણ મોદી સરકાર સમક્ષ માગણી કરી છે કે ચીનનો મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન) દરજ્જો પાછો ખેંચી લેવામાં આવે.

સ્વદેશી જાગરણ મંચના સહ સંયોજક અશ્વિની મહાજને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચીનનો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લેવાની માગણી કરી છે. પત્રમાં અશ્વિની મહાજને આરએસએસના સર્વેને ટાંકીની જણાવ્યું છે કે ચીનથી આયાત થતા માલ-સામાન પર ભારતમાં સૌથી ઓછા ટેરિફ લાગે છે.

હવે ચીનને પાઠ ભણાવવા માટે ઇમ્પોર્ટેડ ગૂડસ પર ટેરિફ તાત્કાલીક અસરથી વધારી દેવામાં આવે. મહાજને જણાવ્યું હતું કે ચીનથી ભારતમાં ૭૬ અબજ રૂપિયાનો (અંદાજે પ.ર૭ લાખ લોડર) માલ-સામાન મોકલવામાં આવે છે. જ્યારે ભારતથી ચીનમાં નિકાસ કરવામાં આવતા માલ-સમાનનું પ્રમાણ ઘણું ઓછું છે. તેનાથી ભારતની વ્યાપાર ખાધ વધી જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામાના આતંકી હુમલ બાદ ભારતે પકિસ્તાનનો ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. હવે ચીનનો પણ ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચી લેવા દબાણ થઇ રહ્યું છે. અનેક સંગઠનોનું કહેવું છે કે ભારતે ચીન વિરુદ્ધ મોટા આર્થિક પગલાં લેવાં જોઇએ. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતે સૌ પ્રથમ ચીનથી આયાત કરતા માલ-સમાન પર મોટા પાયે ટેરિફ વધારી દેવા જોઇએ.

અમેરિકા અને ચીન વચ્ચે પણ ઘણાં સમયથી તણાવ ચાલી રહ્યો છે. અમેરિકા ચીનની એકપક્ષીય વ્યાપાર નીતિનો વિરોધ કરી રહ્યું છે. તેને લઇને અમેરિકાએ ચીનથી આયાતના સમાન પર ટેરિફ ચાર્જ વધારી દીધા છે.

You might also like