જૈશ ચીફ મસૂદ અઝહર પર UNSC બેન લગાવવાની માગ

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ આખા દેશમાં આક્રોશ વ્યાપી ગયો છે. આવા સંજોગોમાં ભારત અને અમેરિકા ખૂબ જ જલ્દી આતંકવાદના મુદ્દા પર એકબીજા સાથે વાતચીત કરશે.

ઓફિશિયલ સૂત્રોએ જણાવ્યું હતું કે આ વાતચીતમાં જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરના મુદ્દાને મુખ્ય બનાવાશે. એટલું જ નહીં ભારતના અધિકારી અમેરિકા પર આ વાત માટે દબાણ પણ કરશે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) હેઠળ તે આતંકવાદીને પ્રતિબંધિત કરવા માટે પ્રસ્તાવ લવાશે.

આજ આતંકવાદી પઠાણકોટ એરવેઝ પરના થયેલા હુમલાનો આરોપી છે અને પાકિસ્તાનની શરણમાં રહીને હુમલાઓને અંજામ આપવાનો પ્લાન તૈયાર કરે છે. ભારત-USએ ૨૦૧૭માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ આતંકવાદીઓની ઓળખ માટે એક નવું કન્સલ્ટેશન મિકેનિઝમ લોન્ચ કર્યું હતું તેની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પ સાથે થયેલી મુલાકાત બાદ એક સંયુક્ત નિવેદનમાં અપાઈ હતી.

આતંકવાદને ખતમ કરવા માટે અમેરિકા તરફથી કરાતા વાયદાઓને જોતા ભારતને પણ તેના સમર્થનની આશા છે. દિલચસ્પ વાત એ છે કે સંયુક્ત રાષ્ટ્રની ૧૨૬૭ સમિતિએ પહેલેથી આતંકી સંગઠન જૈશે-એ-મોહમ્મદને પ્રતિબંધિત સંગઠનની યાદીમાં મૂકી દીધું છે તેમ છતાં હજુ સુધી મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકી શકાયો નથી.

You might also like