કઠુઆ રેપકાંડઃ બળાત્કારીઓને ફાંસી આપવાની જોરશોરથી માગ

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જે રીતે આઠ વર્ષની બાળકી પર રેપ અને પાછળથી હત્યા કરવામાં આવી તે ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ઘટનાને લઈ સમગ્ર દેશવાસીઓમાં ભારે રોષ અને આક્રોશ છે. જે રીતે ૨૦૧૨માં નિર્ભયા રેપ કેસમાં દેશવાસીઓએ આ પ્રકારના અપરાધોમાં ફાંસીની સજાની માગણી કરી હતી તે રીતે બળાત્કારીને ફાંસીએ લટકાવી દેવાની જોરશોરથી ફરી માગણી થઈ રહી છે.

રેપ કેસમાં ફાંસી આપવાની સજાની માગણી છેલ્લાં ૧૯ વર્ષથી કરવામાં આવી રહી છે. આ અગાઉ તત્કાલીન ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ પણ રેપના આરોપીઓને પણ ફાંસીની સજા કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે એક સાથે વિચાર કરવો જોઈએ.

હવે જ્યારે કઠુઆ રેપકાંડ બાદ આરોપીને ફાંસી આપવાની માગણી જોરશોરથી થઈ રહી છે ત્યારે શું મોદી સરકાર આ માગણીનો સ્વીકાર કરીને કાયદો બનાવશે કે કેમ તે અંગે જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

કેટલાય નેતાઓએ પક્ષના મતભેદો ભૂલીને પણ ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર બળાત્કાર કરનારને ફાંસીની સજા આપવા માટે માગણી કરી છે. આ માગણીને લઈ રાષ્ટ્રીય અને રાજ્યસ્તરના નેતાઓએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે. કઠુઆ કેસ બાદ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ પોક્સો એક્ટમાં ફેરફાર કરવાની વાત કરી છે.

તેમણે એવું જણાવ્યું હતું કે આ એક્ટ હેઠળ કોઈ મોટી સજાની જોગવાઈ નથી, પરંતુ અમારી સરકાર તેના પર વિચારણા કરી રહી છે. મેનકા ગાંધીની આ અપીલ બાદ હેમામાલિની, અનુપ્રિયા પટેલ સહિત કેટલાય લોકોએ આ વાતને સમર્થન આપ્યું હતું.

કઠુઆ રેપ કેસ બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ નવો કાયદો લાવવાની વાત કરી હતી એટલું જ નહીં, ફારુક અબ્દુલ્લાએ પણ આ માગણીને સમર્થન આપ્યું છે.

You might also like