પોરબંદરનાં RTI એકટીવિસ્ટે કરી ઈચ્છા મૃત્યુની માંગ, ઉપવાસ આંદોલન સાથે ધરણાં

પોરબંદરઃ શહેરનાં જાણીતા આર.ટી.આઈ એકટીવિસ્ટ અને દલિત આગેવાને પોલીસ રક્ષણનાં મુદ્દે ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી તેમજ આજે જીલ્લા કલેકટર કચેરી ખાતે તેમણે પોલીસ રક્ષણની માંગણી સાથે ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યું છે.

પોરબંદરનાં આર.ટી.આઈ એકટીવિસ્ટ સુમિત બેચર ચાવડા ઉપર ભૂતકાળમાં જીવલેણ હુમલા થયાં હોવાંથી તેમણે સરકારી ખર્ચે પ્રોટેકશન માંગ્યું હતું અને આ પ્રોટેકશન તેમને આપવામાં પણ આવ્યું હતું. પરંતુ કોઈ કારણોસર આ પોલીસ પ્રોટેકશન પરત ખેંચી લેવામાં આવ્યું હતું.

આથી સુમન બેચરે રાષ્ટ્રપતિને એક પત્ર પાઠવીને એવું જણાવ્યું હતું કે, તેમનાં જીવને જોખમ છે અને જો પોલીસ રક્ષણ આપવામાં ના આવે તો ઇચ્છા મૃત્યુની મંજુરી આપવામાં આવે.

આર.ટી.આઈ એકટીવિસ્ટે કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ મુદે જીલ્લા કલેકટર એમ.એ પંડયાએ એમ જણાવ્યું હતું કે, પોલીસ પ્રોટેકશનને લઈને આ મામલે રીવ્યુ કરવામાં આવે છે અને તેનાં આધારે પોલીસ પ્રોટેકશન આપવામાં આવે છે. સુમન બેચર ચાવડાની રજુઆત તેમને મળી છે અને આ બાબતે પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

સુમન બેચર ચાવડાએ આજે કલેકટર કચેરી ખાતે ધરણાં શરૂ કર્યા છે અને આજે કલેકટરને રજુઆત કરવાની હોય તે પૂર્વે જ પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. જો કે, સુમન બેચર ચાવડાએ પોતાનાં ધરણાનો કાર્યક્રમ શાંતિપૂર્વક રીતે શરૂ કર્યો છે.

You might also like