અડધી રાતે દિલ્હી પોલીસ દિનાકરનના ઘરે પહોંચી

ચેન્નઇ: દિલ્હીની પોલીસ બુધવારે મધરાતે એઆઇએડીએમકેના નેતા ટીટીવી દિનાકરનના ચેન્નઇ સ્થિત ઘરે પહોંચી હતી. પોલીસે દિનાકરનને સમન્સ પાઠવ્યાે હતાે. દિનાકરન પર પોતાના જૂથ માટે ચૂૂંટણી પ્રતીક હાંસલ કરવા ચૂંટણી પંચના અધિકારીને લાંચ આપી હોવાનો આક્ષેપ છે. પોલીસ આ મામલામાં દિનાકરનની પૂછપરછ કરશે. દરમિયાન દિનાકરનના ઘરની સામે તેના એક સમર્થકે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં ઉપસ્થિત લોકોએ તેને બચાવી લીધો હતો.

દિલ્હી પોલીસની એક ટીમ એસીપીની આગેવાની હેઠળ ચેન્નઇ પહોંચી હતી. દિનાકરનને અધિકારીઓ સમક્ષ હાજર થવા જણાવાયું હતું. દિલ્હી પોલીસના અધિકારીઓ લગભગ ર૦ મિનિટ સુધી દિનાકરનના વસંતનગર સ્થિત ઘરે રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર દિનાકરન વિરુદ્ધ મજબૂત પુરાવા છે. વચેટિયા સુકેશ ચંદ્રશેખરે દિનાકરનની ટેલિફોન પરની વાતચીત ટેપ કરી છે.

આ અગાઉ વચેટિયા સુકેશની પણ ધરપકડ થઇ ચૂકી છે. દિલ્હી પોલીસે દિનાકરન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે. પોલીસનું માનવું છે કે દિનાકરન દેશ છોડીને ભાગી શકે છે અને તેથી તમામ એરપોર્ટને તેની તાકીદ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શશિકલાના ભત્રીજા દિનાકરન વિરુદ્ધ ૧૭ એપ્રિલના રોજ એફઆઇઆર દાખલ કરી હતી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે વચેટિયા સુકેશે પ૦ કરોડની ડીલ કરી હતી. તેની પાસેથી રૂ.૧.ર૦ કરોડ મળી આવ્યા હતા. તેની બે કાર પણ જપ્ત કરવામાં આવી હતી. એક ફાઇવસ્ટાર હોટલમાંથી સુકેશની ધરપકડ કરવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like