પંજાબની જેેલમાંથી ભાગેલો ખાલિસ્તાની આતંકી હરમિંદર મિન્ટુ દિલ્હીથી ઝડપાયો

નાભા (પંજાબ): પંજાબની નાભા જેલમાંથી ફરાર ખાલિસ્તાની લિબરેશન ફોર્સ (કેએલએફ)ના વડા હરમિંદરસિંહ મિન્ટુને દિલ્હીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. પંજાબ અને દિલ્હી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મિન્ટુની ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે પતિયાલા સ્થિત નાભા જેલમાંથી દસ સશસ્ત્ર હુમલાખોરોએ જેલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું અને ખાલિસ્તાની લિબરેશન ફોર્સના વડા સહિત છ કેદીઓને છોડાવીને ભગાડી ગયા હતા. અહેવાલો અનુસાર નાભા જેલમાં અચાનક દસ સશસ્ત્ર હુમલાખોરો સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ કરીને જેલમાં ઘૂસ્યા હતા. આ તમામ હુમલાખોરો પોલીસની વરદીમાં હતા અનેે જેલમાં દાખલ થતાંની સાથે ૧૦૦ રાઉન્ડથી વધુ ગોળીબાર કર્યા હતા.

નાભા જેલ પર હુમલો કરનાર સશસ્ત્ર હુમલાખોરોમાં સામેલ પરમિંદરસિંહની ઉત્તર પ્રદેશના શામલીથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ખાલિસ્તાની લિબરેશન ફોર્સના વડા હરમિંદરસિંહ મિન્ટુને દિલ્હીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. અન્ય ફરાર આતંકવાદીઓ અને ગેંગસ્ટર સહિત હુમલાખોરોની શોધખોળ માટે વ્યાપક અભિયાન શરૂ કરી દીધું છે અને સમગ્ર પંજાબ અને પાડોશી હરિયાણા રાજ્યમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ દરમિયાન પોલીસે હરિયાણા તરફ જતા પતિયાલા-ચીકા માર્ગ પર ફરાર કેદીઓને ઝડપવા માટે લગાવવામાં આવેલા બેરીકેડ પર એક વાહન નહીં રોકાતાં તેના પર કરવામાં આવેલ ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઓળખમાં થયેલી ભૂલના કારણે આ ઘટના ઘટી હતી. દિલ્હીમાંથી ઝડપી લેવામાં આવેલ કેએલએફનો વડો હરમિંદરસિંહ મિન્ટુ અનેક આતંકી ઘટનાઓમાં સંડોવાયેલો છે. ર૦૧૪માં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પંજાબ પોલીસે મિન્ટુની ધરપકડ કરી હતી. મિન્ટુ ર૦૦૮માં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ અને હલવાડા એરફોર્સ સ્ટેશન પર હુમલા સહિતની કેટલીયે આતંકી ઘટનાઓમાં સંડોવાયેલો છે.

પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર હરમિંદરસિંહ મિન્ટુ ર૦૧૦માં યુરોપ ભાગી ગયો હતો. મિન્ટુ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇની તાલીમ પણ લઇ ચૂક્યો છે. યુરોપમાં તેણે ઇટાલી, બેલ્જિયમ, જર્મની અને ફ્રાન્સની પણ મુલાકાત લીધી હતી. ખાલિસ્તાની લિબરેશન ફોર્સ માટે ફંડ એકત્ર કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં તે સૌથી આગળ રહ્યો છે.

You might also like