નવી દિલ્હી-એનસીઆરમાં ફરીથી ઝેરીલી સ્મોગઃ ૧ર જેટલી ટ્રેન મોડી

નવી દિલ્હી: દિલ્હીમાં ફરી એક વાર ઝેરીલું સ્મોગ પાછું આવ્યું છે. સોમવારની સાંજે સ્મોગને કારણે વિઝિબિલિટી ઘટીને પ૦૦ મીટર સુધી પહોંચી ગઇ હતી. આજેે સવારે હાલત વધુ ખરાબ રહી. દિલ્હી-એનસીઆર જાણે સ્મોગની ચાદરમાં લપેટાઇ ગયું છે. કેટલાક વિસ્તારોમાં એર કવોલિટી અત્યંત ખરાબ હતી અને તેમાં ચાર-પાંચ દિવસ સુધી કોઇ રાહતના અણસાર નથી. સ્મોગના કારણે આજે સવારે રસ્તાઓ પર ઓછો ટ્રાફિક દેખાયો. ૧ર ટ્રેનો સ્મોગના કારણે મોડી ચાલી રહી છે.

ધુમ્મસ અને ધુમાડાના લીધે ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન જેવી બિલ્ડિંગને નજીકથી જોવાનું મુશ્કેલ બની ગયું છે. પ્રદૂષણનું સ્તર ખતરાના નિશાન કરતાં પણ આગળ વધી રહ્યું છે. તેને જોતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને દિલ્હી સરકારને પત્ર લખ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને દિલ્હી સરકારને અપીલ કરી છે કે તેઓ સ્કૂલમાં આઉટડોર ગેમ્સ પર પ્રતિબંધ મૂકે. મોર્નિંગ વોક કરવા આવનારા લોકોનું પણ કહેવું છે કે આજની સવાર અન્ય સવાર કરતાં અલગ છે. પ૦ મીટર સુધી તો જોવું પણ મુશ્કેલ બની ગયું છે. રાજધાની દિલ્હી ઉપરાંત એનસીઆર વિસ્તારમાં પણ પ્રદૂષણ લેવલે મુશ્કેલીઓ વધારી દીધી છે.

નોઇડા અને ગાઝિયાબાદમાં એર કવોલિટી ઇન્ડેકસ ૪૦૦ને પાર પહોંચી ગયો છે. જો હવાની કવોલિટીમાં સુધારો ન થયો અને સ્થિતિ ન સુધરી તો સ્કૂલો બંધ કરવામાં આવશે. જો અહીં એર કવોલિટી ઇન્ડેસનું સ્તર ૪પ૦ને પાર થઇ જશે તો બાળકોની હેલ્થનું ધ્યાન રાખીને સ્કૂલો થોડા દિવસ બંધ કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે સુપ્રીમ કોર્ટે આ દિવાળી પર દિલ્હીમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકયો હતો. જોકે પ્રદૂષણ પર તેની બહુ અસર જોવા મળી નહોતી. તહેવારોના મોસમમાં દિલ્હીની હવા વધુ પ્રદૂષિત થઇ ગઇ. પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે દિલ્હી સરકાર ફરી એક વાર ઓડ ઇવન લાગુ કરવાનો વિચાર કરી રહી છે.

નિષ્ણાતોનુું કહેવું છે કે હવાની રફતાર ઘટતાં સોમવારે સાંજે વિઝિબિલિટી ખરાબ હતી. આખા દિલ્હીની એર કવોલિટીની વાત કરીએ તો સીપીસીબી એર કવોલિટી ઇન્ડેકસ મુજબ સોમવારે તે ૩પ૪ના સ્તર પર હતું જે અત્યંત ખરાબ કેટેગરીમાં આવે છે. આ પહેલાં રવિવારે આ સ્તર ૩૬૮ રેકોર્ડ કરાયું હતું.

You might also like