દિલ્હીમાં ટનલની અંદર ખુલ્લા દરવાજે મેટ્રો દોડતાં પ્રવાસીઓના જીવ અધ્ધર

નવી દિલ્હી: સોમવારે મોડી રાત્રે દિલ્હી મેટ્રોના ઓપરેશનમાં ગંભીર ચૂક બહાર આવી હતી. વાસ્તવમાં પ્રવાસીઓથી ભરચક એક મેટ્રો ટ્રેનની યલો લાઇન (હૂડા સિટી સેન્ટરથી સમયપુર બાદલી) યલો લાઇનનાં બે સ્ટેશનોથી પસાર થતી વખતે મેટ્રોનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. જેના કારણે પ્રવાસ કરી રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
યલો લાઇન પર ચાવડી બજાર અને કાશ્મીરી ગેટ સ્ટેશન વચ્ચે રાત્રે ૧૦-૦૦ વાગ્યે આ એક અસામાન્ય ઘટના બની હતી. ટનલની અંદર ખુલ્લા દરવાજા સાથે મેટ્રો ઝડપથી દોડી રહી હતી. આ સમગ્ર ઘટનાને અેક પ્રવાસીએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. એટલું જ નહીં, પરંતુ તેણે આ યાત્રા દરમિયાન પ્રવાસીઓના ડર અને અનુભવને પણ કેમેેરામાં કેદ કરી લીધો હતો.

ઘટના અનુસાર મેટ્રો ટ્રેન ગુડગાંવથી આવીને યુનિવસિર્ટી તરફ જઇ રહી હતી. ચાવડી બજાર મેટ્રો સ્ટેશન સુધી તો બધું ઠીક ઠાક હતું, પરંતુ ચાવડી બજારથી મેટ્રો ટ્રેન જેવી આગળ વધી, કે કોચનો એક દરવાજો બંધ જ થયો નહીં. આમ તો મેટ્રોના દરવાજામાં સેન્સર લાગેલાં હોય છે અને દરવાજો બંધ ન થાય ત્યાં સુધી મેટ્રો ટ્રેન આગળ વધતી નથી, પરંતુ કોઇ ગંભીર ટેકનિકલ ખામી અનેે ખરાબીને કારણે દરવાજો ખુલ્લો હોવા છતાં મેટ્રો ટ્રેને ગ‌િત પકડી લીધી અને ચાંદની ચોક તરફ આગળ વધવા લાગી હતી.

ચાંદની ચોક ટ્રેન પહોંચે ત્યાં સુધી પ્રવાસીઓના શ્વાસ અદ્ધર હતા. ચાંદની ચોકથી મેટ્રોનો સ્ટાફ સવાર થયો હતો, તેમ છતાં દરવાજો બંધ થયો નહીં અને કાશ્મીરી ગેટ સુધી દરવાજો ખુલ્લો રહ્યો હતો. ડીએમઆરસીનું કહેવું છે કે ટેકનિકલ ખામીને કારણે આંશિક રીતે મેટ્રોના દરવાજા ખુલ્લા રહી ગયા હતા, પરંતુ આગલા સ્ટેશન પરથી જ મેટ્રોના સ્ટાફે તકેદારીનાં પગલાંરૂપે દરવાજાને ગાર્ડ કરી લીધો હતો કે જેથી કોઇ અકસ્માત સર્જાય નહીં. ત્યાર બાદ કાશ્મીરી ગેટ પરથી દરવાજા બંધ કરી દેવાયા હતા.

You might also like