દિલ્હી-NCRમાં ફરી ગાઢ ધુમ્મસથી ઠંડી વધીઃ ૨૧ ટ્રેન મોડી પડી

નવી દિલ્હી, બુધવાર
દિલ્હી અને એનસીઆરમાં થોડા દિવસની રાહત બાદ ગઈ કાલથી ફરી ઠંડી અને ગાઢ ધુમ્મસ વધતાં તેની જનજીવન પર અસર પડી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે ૨૧ જેટલી ટ્રેન મોડી દોડી રહી છે. જ્યારે ૧૩ ટ્રેનને રદ કરવામાં આવી છે તેમજ શાળાએ જતાં બાળકો તેમજ કર્મચારીઓને પણ હાલાકી પડી રહી છે. હવાઈ સેવા પર પણ અસર થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગઈ કાલે થોડો સમય તાપ નીકળ્યો હતો પણ બાદમાં ફરી આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડી વધતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે, જોકે તેના કારણે જમ્મુ-કાશ્મીરના કાર‌િગલમાં તાપમાનનો પારો શૂન્યથી ૧૯ ડિગ્રી વચ્ચે રહેતાં વિવિધ વિસ્તારમાં ઠંડી વધી ગઈ હતી. જ્યારે ઓડિશાના ફૂલબનીનું લઘુતમ તાપમાન ૪.૫ ડિગ્રી રહ્યું હતું, જ્યારે કાશ્મીરમાં હજુ પણ કાતિલ ઠંડી પડી રહી છે.

લદાખ વિસ્તારમાં કાર‌િગલ સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે લેહમાં તાપમાનનો પારો શૂન્યથી ૧૩.૮ ડિગ્રી ઓછો રહ્યો હતો. આ ઉપરાંત શ્રીનગરમાં તાપમાન શૂન્યથી ૪.૯ ડિગ્રી રહ્યું હતું.

આ ઉપરાંત દેશનાં પૂર્વ રાજ્યમાં લગભગ નવ સ્થળે ગઈ કાલે તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું રહ્યું હતું. ભુવનેશ્વરમાં તાપમાન ૧૨.૮ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પંજાબના આદમપુરનું તાપમાન ૦.૮ ડિગ્રી રહ્યું હતું. આ સિવાય હરિયાણા સહિત સમગ્ર પંજાબમાં કાતિલ ઠંડી પડી રહી છે.

અમૃતસરનું તાપમાન એક ડિગ્રી, ફરીદકોટમાં બે ડિગ્રી અને પઠાણકોટમાં તાપમાન ૩.૭ ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગઈ કાલે ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું.

You might also like