દિલ્હીની સરકારી સ્કૂલની ટાંકીમાંથી નરકંકાલ મળી આવતાં ચકચાર

નવી દિલ્હી: નવી દિલ્હીના અલીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મુખમેલપુર વિસ્તારમાં નગર નિગમની એક પ્રાઇમરી સ્કૂલના ટોઈલેટની ટાંકીમાંથી નરકંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાઇમરી સ્કૂલના જૂના ટોઈલેટની બાજુમાં નવા ટોઈલેટ માટેની લાઈન નાખતી વખતે મજૂરોને ટાંકીમાં પડેલું નરકંકાલ મળી આવ્યું હતું.

ટોઈલેટની ટાંકીમાંથી કોઈ વ્યક્તિનાં હાડકાં અને કપડાંના અવશેષો મળી આવ્યા છે. મજૂરોએ સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરતાં પોલીસને બોલાવવામાં આવી હતી. આ હાડપિંજર કેટલું જૂનું છે તે રિપોર્ટ આવ્યા બાદ જ કહી શકાશે, પરંતુ પ્રાઈમરી સ્કૂલમાંથી કંકાલ મળતાં તંત્ર દોડતું થઈ ગયું છે.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક લોકોની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે અલીપુર, મુખમેલપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ગૂમ થયેલા લોકોની એક યાદી બનાવી તપાસ આદરી છે. સ્કૂલના આચાર્ય અને અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મુખમેલપુરની નગર નિગમની આ શાળામાં હાલ નવા ટોઈલેટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેની લાઈન પાથરતી વખતે મજૂરોનું ધ્યાન જૂના ટોઈલેટની ટાંકીમાં ગયું હતું અને આખો મામલો સામે આવ્યો હતો.

You might also like