દિલ્હીમાં ગેસ સિલિન્ડર ફાટતાં છનાં મોતઃ ૩૪ને ગંભીર ઈજા

નવી દિલ્હી: દિલ્હીના બે વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં છ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય ૩૪ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. મૃતકમાં બે મહિલા અને બે બાળકીનો સમાવેશ થાય છે. બ્લાસ્ટના કારણે આસપાસની ઇમારતોને નુકસાન થયું છે.

આ અંગે પૂર્વ દિલ્હીના પોલીસ વડા ઋષિપાલે જણાવ્ું કે આશ્રમ ચોક પાસે સનલાઇટ કોલોની વિસ્તારમાં સિલિન્ડર ફાટતાં તેના કારણે લાગેલી આગમાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ૨૨ લોકોને ઇજા થઇ છે, જ્યારે ભગવાનનગરના ચાર માળના ભવનમાં બ્લાસ્ટના કારણે તેની આસપાસ આવેલી ઇમારતો પર પણ અસર પડી છે, જેમાં બે ઇમારતની દીવાલ ધસી પડી હતી. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચી જતા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ઘટનામાં તમામ ઇજાગ્રસ્તોને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સિલિન્ડર બ્લાસ્ટની બીજી ઘટના ગાંધીનગર ૧ ઇમારતમાં થઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને અન્ય ૧૧ લોકોને ઇજા થઇ છે. આ વિસ્તારના કૈલાસનગરની ગલી નંબર ૧૭માં રસોઇ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ ઘરમાં આગ લાગી હતી. જિલ્લા તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં ઘર અને તેની સામે આવેલી દીવાલ ધસી પડી હતી. આ ઘટનામાં રાજેશ ગોયલ, પૂનમ અને સોની રામનાં મોત થયાં છે, જ્યારે ઇજાગ્રસ્તોને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવથી મોડી રાત સુધી ભારે અફરાતફરી મચી ગઇ હતી.

You might also like