દિલ્હીમાં મધ્યાહ્ન ભોજનમાં બે મરેલા ઉંદર મળ્યાઃ નવ બાળક ગંભીર બીમાર

નવી દિલ્હી: દિલ્હીમાં દેવલી સ્થિત ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં મધ્યાહ્ન ભોજનમાં મરેલો ઉંદર મળી આવતાં નવ બાળકની તબિયત લથડી ગઇ હતી. બાળકોને અપાતાં મધ્યાહ્ન ભોજનમાં બે મરેલા ઉંદર મળી આવ્યા હતા. બાળકોની તબિયત લથડતાં તેમને નજીકની મદન મોહન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમની સ્થિતિ ભયમુકત હોવાનું જણાવાઇ રહ્યું છે.

હોસ્પિટલમાં બાળકોની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચી ગયેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન બનાવનાર એજન્સી વિરુદ્ધ તપાસ થશે અને તેની વિરુદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કરાશેે. મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અમે શિક્ષણ વિભાગના અધિકારીઓને આખી રાત રોકાવા સૂચના આપી છે. તેઓ સ્થિતિની સમીક્ષા કરશે અને અમને અપડેટ કરતા રહેશે.

મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે જ્યારે મધ્યાહ્ન ભોજનના વાસણમાં ઉંદરો મળી આવ્યા બાદ બાળકોને ભોજન કરતાં અટકાવી દેવાયા હતા અને ત્યાં સુધીમાં કેટલાક બાળકોએ પૂરી શાકનું ભોજન કરી લીધું હતું અને તેમણે પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ડોકટરોએ અમને જણાવ્યું હતું કે બાળકોને ઝાડા ઊલટીનાં લક્ષણો દેખાઇ રહ્યા છે અને તેમને ઓબ્ઝર્વેશન માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
http://sambhaavnews.com/

You might also like