દિલ્હીમાં પણ ‘ઝીણા પ્રેમી ભારત છોડો’ના નારા લાગ્યા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મહંમદઅલી ઝીણાની તસવીરનો મામલો હવે પાટનગર નવી દિલ્હી સુધી પહોંચી ગયો છે. નવી દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના મુખ્ય દરવાજા પર બે ડઝન જેટલા દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. દેખાવકારોએ ઝીણા પ્રેમી ભારત છોડો અને વંદે માતરમના નારા લગાવ્યા હતા, જોકે થોડીવાર સૂત્રોચ્ચાર કર્યા બાદ દેખાવકારો પરત ચાલ્યા ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદના વિરોધ બાદ આ મામલો સામે આવ્યો હતો અને ત્યાર બાદ આ મુદ્દે ભારે વિરોધ વંટોળ ફુંકાયો છે. એએમયુના વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓએ ઝીણાની તસવીર હટાવવાનો ઇનકાર કરી દીધો હતો, જોકે થોડા સમય માટે તસવીર હટાવી લેવામાં આવી હતી.

વિદ્યાર્થીઓએ એએમયુની બહાર આ મુદ્દે સતત દેખાવો કર્યા હતા અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ મુદ્દે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઝીણા ભારતીય ઇતિહાસનો ભાગ છે અને એટલા માટે તેમની તસવીર હટાવવી જોઇએ નહીં.

તંગદિલીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીમાં કેટલાક દિવસ માટે ઇન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. હિંદુ યુવાવાહિનીના કાર્યકરોએ ઝીણાની તસવીર હટાવવાની માગણીના મામલે એએમયુની બહાર જોરદાર દેખાવો કર્યા હતા.

You might also like