દિલ્હીમાં અત્યાર સુધીની સૌથી મોટી ચોરીઃ ત્રણ કરોડના માલની ઉઠાંતરી

નવી દિલ્હી: પાટનગર નવી દિલ્હીમાં એક સૌથી મોટી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જેટ એરવેઝના વાઈસ પ્રેસિડેન્ટ (સિક્યોરિટી) અવનિતસિંહ બેદીની પુત્રીના ઘરે થયેલી આ ચોરીમાં રૂ. ત્રણ કરોડથી વધુ કિંમતનાં હીરા, ઝવેરાત અને રૂ. ૬૦,૦૦૦ રોકડાની ઉઠાંતરી કરીને લૂંટારુઓ ફરાર થઈ ગયા છે.
દિલ્હીમાં આ સૌથી મોટી ચોરી હોવાનું જણાવાય છે. દક્ષિણ જિલ્લાના અધિક પોલીસ કમિશનર નૂપુરપ્રસાદે આ ચોરીની ઘટનાને સમર્થન આપ્યું છે. અવનિતસિંહના જમાઈ તન્મય શેઠ ડિફેન્સ કોલોનીના સૌથી વૈભવી વિસ્તાર આનંદ લોકમાં પરિવાર સાથે ત્રીજા માળે રહે છે. તન્મય શેઠને તમિલનાડુના એગ્રીકલ્ચર પ્રોડક્ટ બનાવવાની ફેક્ટરી છે.

તન્મય શેઠ રવિવારે સાંજે પરિવાર સાથે જ્યારે દિલ્હીનાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા ત્યારે પાછળથી આ મોટી ચોરી થઈ હતી. મોડી રાત્રે તેઓ જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે તેમના મુખ્ય પ્રવેશ દ્વારનું તાળું તૂટેલું હતું અને બેડરૂમનો સામાન વેરવિખેર પડ્યો હતો. તેમણે તુરત પોલીસને જાણ કરી હતી અને ક્રાઈમ બ્રાંચે સ્થળ પરથી ફિંગર પ્રિન્ટ લઈને તપાસ શરૂ કરી છે.
પીડિત પરિવારનું કહેવું છે કે હજુ તેઓ ચોરી થયેલા માલ સામાનની તપાસ કરી રહ્યા છે.

સંપૂર્ણ તપાસ બાદ પોલીસને ચોરી થયેલા માલ સામાનની વિગતો આપવામાં આવશે. દિલ્હી પોલીસે પોતાના કેટલાંય યુનિટોને આ ચોરીમાં તપાસ કરવા માટે કામે લગાડ્યા છે. જોકે હજુ સુધી કોઈ સુરાગ મળ્યા નથી. અવનિતસિંહ બેદી નિવૃત્ત કર્નલ છે અને તેઓ વર્ષ ૨૦૧૫થી જેટ એરવેઝ સાથે સંકળાયેલા છે.

You might also like