દિલ્હીમાં રૂ. રર.પ કરોડની કેશ લઈને ભાગેલો ડ્રાઇવર ઝડપાયો

નવી દિલ્હી: પાટનગર નવી દિલ્હીમાં એક્સિસ બેન્કની રૂ.રર.પ કરોડની કેશ વાન લૂંટનો મુખ્ય આરોપી ડ્રાઇવર પ્રદીપ શુકલા થોડા જ અંતરે ઝડપાઇ ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રાઇવર એકલાએ જ આ સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો અને દિલ્હીની સૌથી મોટી ચોરી એટલા માટે કરી હતી, કારણ કે તે પોતાની કંપનીઓના અધિકારીઓ પર એ વાતથી નારાજ હતો કે તેઓ તેને પગાર ઓછો આપે છે અને કામ વધુ કરાવે છે. પોલીસે લૂંટ ચલાવવામાં આવેલ રૂ.રર.પ કરોડની પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સાંજે ૬-૦૦ વાગ્યે વિકાસપુરીની એક્સિસ બેન્કથી એસઆઇએસ કંપનીની ચાર કેશ વાન નીકળી હતી, જેમાં અંદાજે રૂ.૩૮ કરોડની કેશ હતી. આ તમામ કેશ વાનમાંથી અલગ અલગ એટીએમમાં પૈસા ભરવાના હતા, તેમાંથી જે કેશ વાન પ્રદીપ શુકલા ચલાવી રહ્યો હતો તેમાં સૌથી વધુ રૂ.રર.પ કરોડ હતા.

આ કેશ વાનને ઓખલા વિસ્તારમાં પહોંચાડવાની હતી, પરંતુ જેવી કેશ વાન ઓખલા મંડીની પાસે પહોંચી ત્યારે વાનમાં હાજર ગનમેન વિનય પટેલે ટોઇલેટ જવાની વાત કરી.

ડ્રાઇવર પ્રદીપ કેશ વાનને રોકી વિનયને નીચે ઉતારી વાનને ઝડપથી આગળ લઇ ગયો. ત્યાર બાદ ડ્રાઇવર પ્રદીપે રૂપિયાથી ભરેલી બેગ ઓખલાના એક ગોડાઉનમાં છુપાવી દીધી અને ખાલી વાન ગોવિંદપુરી મેટ્રો સ્ટેશન પાસે ઊભી રાખીને ત્યાંથી પરત આવીને ગોડાઉનમાં સૂઇ ગયો.

આ રૂપિયામાંથી પ્રદીપ શુકલાએ રૂ.૧૧,૦૦૦ બહાર કાઢીને તેમાંથી કપડાં અને ઘડિયાળની ખરીદી કરી હતી. પોલીસે તેની ગોડાઉન પરથી ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ માટે તેણે કોઇ પ્લાનિંગ કર્યું નહોતું અને તે બીજા દિવસે સવારે બીજી ગાડીમાં કેશ ભરીને પોતાના ગામ બલિયા જવાની ફિરાકમાં હતો.

You might also like