ફ્રાંસના બેન્જામિન પવાર્ડે જીત્યો ફિફા વર્લ્ડકપમાં સર્વશ્રેષ્ઠ ગોલનો એવોર્ડ

પેરિસઃ િફફા તરફતી ફ્રાંસના બેન્જામિન પવાર્ડને આર્જેન્ટિના વિરુદ્ધ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં કરેલા ગોલ માટે ‘૨૦૧૮ વર્લ્ડકપ ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ’ પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. સ્ટુટગાર્ડના આ ૨૨ વર્ષીય ડિફેન્ડરે લુકાસ ફર્નાન્ડિઝના ક્રોસ પર જમણા પગથી મેચની ૫૭મી મિનિટે ગોલ કર્યો હતો. તેના ગોલની મદદથી ફ્રાંસે અંતિમ-૧૬ના મુકાબલામાં આર્જેન્ટિના સામે ૨-૨ની બરોબરી હાંસલ કરી હતી. પવાર્ડને આ પુરસ્કાર ફિફાની સત્તાવાર વેબસાઇટ પર લોકો દ્વારા કરવામાં આવેલા વોટિંગના આધારે મળ્યો હતો.

ફ્રાંસે ત્યાર બાદ કાઇલિયન એમ્બાપે દ્વારા ૬૪મી મિનિટે કરેલા ગોલની મદદથી એ મેચ ૪-૩થી જીતી લીધી હતી અને આર્જેન્ટિનાને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધું હતું. ફ્રાંસે ૧૫ જુલાઈ રમાયેલી ફાઇનલમાં ક્રોએશિયાને ૪-૨થી હરાવીને બીજી વાર ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. ટૂર્નામેન્ટમાં નોંધાયેલા કુલ ૧૬૯ ગોલમાં પવાર્ડના આ ગોલને લોકોએ સૌથી વધુ વોટ આપ્યા હતા. કોલંબિયાના મિડફિલ્ડર જુઆન ક્વિન્ટેરો અને ક્રોએશિયાના લૂકા મોડ્રિક ક્રમશઃ બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા.

ઈજાગ્રસ્ત હોવા છતાં ફ્રાંસનો સ્ટ્રાઇકર એમ્બાપે ફાઇનલમાં રમ્યો હતો
ફ્રાંસના સ્ટ્રાઇકર એમ્બાપેએ જણાવ્યું છે કે તે પીઠમાં ઈજા થઈ હોવા છતાં વિશ્વકપની સેમિફાઇનલ અને ફાઇનલમાં રમ્યો હતો. એમ્બાપેએ કહ્યું, ”બેલ્જિયમને સેમિફાઇનલમાં ૧-૦થી હરાવ્યાના ત્રણ દિવસ પહેલાં તેને ઈજા થઈ હતી. એ જરૂરી હતું કે પોતાના હરીફને આ બાબતની જાણ ના થાય, કારણ કે તેઓ આ વાતનો ફાયદો ઉઠાવી શક્યા હોત અને એ સંવેદનશીલ સ્થાનને નિશાન બનાવી શકત. એ જ કારણ છે કે અમે સ્ટાફ અને ખેલાડીઓથી આ વાત છુપાવી. એટલે સુધી કે ફાઇનલમાં પણ અમે આ વાત છુપાવી.” એમ્બાપે ૧૯૫૮માં પેલે બાદ વિશ્વકપમાં બે ગોલ કરનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો અને ફાઇનલમાં ગોલ કરનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી પણ બન્યો હતો. એમ્બાપેના આ શાનદાર પ્રદર્શનને કારણે તેને વિશ્વકપનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.

You might also like