ઈઝરાયેલ સાથે ૫૦૦ મિલિયન ડોલરની ડીલ રદ: DRDO બનાવશે સ્પાઈક મિસાઈલ

નવી દિલ્હી: મેઈક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા સંરક્ષણ મંત્રાલયે ઈઝરાયેલ સાથે સ્પાઈક એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ માટે ૫૦૦ મિલિયન ડોલરની ડીલ રદ કરી નાખી છે. સંરક્ષણ મંત્રાલય હવે મેઈન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ (એમપીએટીજીએમ) સ્વદેશમાં જ બનાવવા માગે છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનને (ડીઆરડીઓ) આ મિસાઈલ બનાવવાની જવાબદારી સોંપી છે. ડીઆરડીઓ આ ટેકનિકની મિસાઈલ બનાવતા ચારેક વર્ષ લગાડશે.

ઈઝરાઈલ સાથે ડીલ રદ કરવાનું મુખ્ય કારણ ભારતમાં અત્યાધુનિક શસ્ત્રોનાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે. આ ડીલથી ડીઆરડીઓના સ્વદેશી શસ્ત્રો બનાવવાની તૈયારી પર પ્રતિકૂળ અસર પડશે એવું માનવામાં આવી રહ્યું હતું. એટલા માટે સંરક્ષણ મંત્રાલયે ત્રીજી પેઢીના સ્પાઈક મિસાઈલ બનાવવાના ડીલને રદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ સાથે રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમની ડીલ થયા બાદ સ્પાઈક મિસાઈલની ડીલને ભારત-ઈઝરાયેલ સંબંધોમાં સુદ્રઢતા તરીકે જોવામાં આવી રહી હતી. આ ડીલ બાદ જ ઈઝરાયેલના રાફેલ અને કલ્યાણી ગ્રૂપ સાથે ભારતમાં જ મિસાઈલ બનાવવા પર સંમતિ સધાઈ હતી. હૈદરાબાદ નજીક તેના માટે એક આધુનિક પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો હતો.

આ અગાઉ ડીઆરડીઓ ‘નાગ’ અને ‘અનામિકા’ જેવી એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ બનાવી ચૂક્યું છે. ડીઆરડીઓને વિશ્વાસ છે કે આગામી ત્રણથી ચાર વર્ષમાં વિદેશની કોઈ પણ પ્રકારની મદદ વગર પણ ત્રીજી પેઢીના મેઈન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ બનાવી શકશે.

આ ડીલ રદ થવાથી હાલ ભારતીય સેનાનું આધુનિકરણ કરવાના પ્રયાસોને મોટો ફટકો પહોંચ્યો હોવાનું માનવામાં આવે છે. સ્પાઈક મિસાઈલ ત્રીજી પેઢીના અત્યંત ઘાતક મિસાઈલ છે. અઢી કિ.મી. રેન્જ સુધી તે મિસાઈલ દુશ્મનને કોઈ પણ સમયે બરબાદ કરી શકે છે. દિવસ અને રાત્રે તે પોતાના લક્ષ્યને વિંધવાની ક્ષમતા ધરાવે છે.

You might also like