૮ર,૦૦૦ કરોડમાં ૮૩ તેજસ, ૪૬૪ ટેન્ક અને ૧પ હેલિકોપ્ટર ખરીદાશે

નવી દિલ્હી: સરહદે પાકિસ્તાન આર્મી સાથે સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે રૂ.૮ર,૦૦૦ કરોડ કરતાં પણ વધુ રકમનાે શસ્ત્ર-સરંજામ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. દેશમાં નિર્મિત લશ્કરી શસ્ત્ર-સરંજામ ખરીદી પર સરકાર રૂ.૬૭,૦૦૦ કરોડ ખર્ચશે. સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરની અધ્યક્ષતાવાળી સંરક્ષણ ખરીદી પરિષદે ૮૩ તેજસ હળવાં લડાયક વિમાનો, ૧પ હળવાં લડાયક હેલિકોપ્ટર અને ૪૬૪ ટી-૯૦ ટેન્કો ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

તેજસ વિમાનોના ઓર્ડર પાછળ સરકાર રૂ.પ૦,૦રપ કરોડ ખર્ચશે. જ્યારે સેના અને વાયુદળ માટે ખરીદવામાં આવનાર હેલિકોપ્ટર પાછળ રૂ.ર૯૧૧ કરોડ ખર્ચશે અને ટી-૯૦ ટેન્કોની ઓર્ડનન્સ ફેક્ટરી પાસેથી ખરીદી કરવા પાછળ રૂ.૧૩,૪૪૮ કરોડ ખર્ચવામાં આવશે. આ ઉપરાંત લશ્કર માટે રૂ.૧૧૦૦ કરોડની કિંમતનાં પ૯૮ મિની યુએવી ખરીદવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે અને એ જ રીતે સેના માટે રૂ.૧૪,૬૩૩ કરોડના ખર્ચે વધારાની પિનાકા મિસાઈલ્સની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે.

ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે ૮૩ તેજસ લડાયક વિમાનો ખરીદવા મંજૂરી આપી છે. એચએએલ પાસેથી આ વિમાન ઇન્ડિયન ડિઝાઇન ડેવલપ્ડ એન્ડ મેન્યુફેક્ચર કેટેગરી હેઠળ રૂ.પ૦,૦૦૦ કરોડમાં ખરીદવામાં આવશે. આ ઉપરાંત વાયુદળ માટે ૧૦ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર અને સેના માટે પાંચ હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે.

You might also like