રાજકારણમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવાનો પારિકરનો નિર્દેશ

પણજી: સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ટૂંક સમયમાં રાજકારણમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવાનો નિર્દેશ આપ્યો છે. ગોવાના માપુસા શહેરમાં એક કો.ઓપરેટિવ સોસાયટીના કાર્યક્રમમાં તેમણે એવું જણાવ્યું હતું કે રાજકારણ છોડયા બાદ તેઓ ગોવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે જણાવ્યું હતું કે લોકોએ ૬૦ વર્ષ થાય એટલે નિવૃત્તિ અંગે વિચારવું જોઇએ. ૧૩ ડિસેમ્બરે હું ૬૦ વર્ષનો થઇ જઇશ. તેને જોઇને મેં બે ત્રણ વર્ષ પહેલાંથી જ આ અંગે વિચારવાનું શરૂ કરી દીધું હતું. સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે મોટી જવાબદારી નિભાવવા અંગે મને કોઇ રસ નથી.

મનોહર પારિકરે વધુમાં જણાવ્યું હતું કે રાજકારણથી સંન્યાસ લીધા બાદ પણ ગોવા પર તેમનું ધ્યાન લાગેલું રહેશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર ખોટા રસ્તા પર ચાલશે તો તેમને સાચા રસ્તે લાવીશ.

ઉલ્લેખનીય છે કે મનોહર પારિકર ગોવાના અત્યાર સુધીના સૌથી મોટા રાજનેતા માનવામાં આવે છે. તેમણે ર૦૧રમાં ગોવાના મુખ્ય પ્રધાનપદની જવાબદારી સંભાળી હતી. ત્યાર બાદ ગઇ સાલ તેમનો કેન્દ્રની એનડીએ સરકારમાં સંરક્ષણ પ્રધાન તરીકે સમાવેશ કરાયો હતો. તેમની ગણતરી સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતાઓમાં થાય છે.

You might also like