4-1થી હારનો અર્થ એ નથી કે એકતરફી હાર્યા, અમે નીડર થઈને રમ્યાઃ વિરાટ કોહલી

લંડનઃ ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટની શ્રેણીમાં ભારતને ૪-૧થી પરાજય આપ્યો. પરાજય અંગે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ”૪-૧નો આંકડો મારી ટીમની સાચી તસવીર રજૂ કરતો નથી.

લોર્ડ્સ ટેસ્ટને બાદ કરીએ તો ભારત કોઈ પણ ટેસ્ટ એકતરફી નથી હાર્યું. સમગ્ર શ્રેણીમાં અમારા ખેલાડી નીડર થઈને રમ્યા છે. અમારી ટીમમાં યોગ્યતા છે જ. બસ, અમારે થોડા અનુભવની જરૂર છે.”

ટેસ્ટ ક્રિકેટ માટે આ શ્રેણી શાનદાર રહીઃ મેચ પૂરી થયા બાદ વિરાટે જણાવ્યું, ”અમે જે રીતે ક્રિકેટ રમ્યા એ સ્કોર બોર્ડ પર નથી દેખાતું. જોકે બંને ટીમ જાણે છે કે આ એક મુશ્કેલ શ્રેણી હતી. ટેસ્ટ ક્રિકેટ માટે આ શ્રેણી શાનદાર રહી.

ક્રિકેટ ચાહકો હવે સ્ટેડિયમ સુધી આવશે. તેઓ બંને ટીમને જીત માટે રમતાં નિહાળશે. ઇંગ્લિશ ટીમ પણ સ્પર્ધાત્મક ક્રિકેટ રમવા માટે જાણીતી છે.”

‘અંતિમ દિવસે શું ભારતે મેચ જીતવા અંગે વિચાર્યું હતું?’ એ સવાલના જવાબમાં વિરાટે કહ્યું, ”અમારો એવો કોઈ વિચાર નહોતો. અમે ફક્ત અમારી સ્વાભાવિક રમત રમવાની યોજના બનાવી હતી. અમે જાણીએ છીએ કે ઈંગ્લેન્ડ ડ્રો માટે નથી રમતું. ઈંગ્લેન્ડની ટીમ જીતના ઇરાદ સાથે મેદાનમાં ઊતરે છે.

આ સ્થિતિમાં તમને આ શ્રેણીમાં ડ્રો મેચ જોવા મળતી નથી.” રાહુલ-પંત ભારતીય ટીમનું ભવિષ્યઃ કોહલીએ ઓપનિંગ બેટ્સમેન કે. એલ. રાહુલ અને રિષભ પંતની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું, ”આ બંને ખેલાડીઓનું પ્રદર્શન ભારતીય ટીમનું ભવિષ્ય દર્શાવે છે. હું બંનેના પ્રદર્શનથી ખુશ છું.

પંતે વધુ સાહસ અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું. જ્યારે તમે આવી પરિસ્થિતિમાં હો છો ત્યારે તમે પરિણામ અંગે નથી વિચારતા, પરંતુ ચીજો તમારા માટે અનુકૂળ બની જતી હોય છે.”

ટેસ્ટ ક્રિકેટનું વિશેષ સ્થાનઃ રૂટ
૪-૧થી શ્રેણી જીત્યા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે જણાવ્યું, ”આ શ્રેણી ઘણી મુશ્કેલ હતી. ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને અમારા ખેલાડીઓ પણ સારું રમ્યા. આ દર્શાવે છે કે ટેસ્ટ ક્રિકેટનું વિશેષ સ્થાન છે.

જો અંતિમ ટેસ્ટની વાત કરવામાં આવે તો રાહુલ અને પંતે શાનદાર પ્રદર્શન કર્યું. એક સમયે એવું લાગી રહ્યું હતું કે મેચ કોઈ પણ તરફ જઈ શકે તેમ હતી, પરંતુ અમે અંતિમ સમય સુધી સંઘર્ષ કર્યો.”

કૂકની નિવૃત્તિ અંગે રૂટે જણાવ્યું, ”તે એક મહાન ખેલાડી છે. તે અમારા ડ્રેસિંગનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યો અને તેણે ઊંચા માપદંડ સ્થાપિત કર્યા.” એન્ડરસન અંગે રૂટે કહ્યું, ”એ અદ્ભુત છે, પરંતુ ડરામણી ચીજ એ છે કે તેને લાગે છે કે હવે તે થોડાં વર્ષ જ રમશે. મારા હિસાબે તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે.”

You might also like