ઘોડા પર નહીં, સી-પ્લેનમાં જાન લઈને આવશે રણવીરસિંહ

મુંબઇઃ રણવીરસિંહ અને દીપિકા પદુકોણ ઇટાલીનાં લેક કોમોમાં ૧૪-૧પ નવેમ્બરે લગ્ન કરશે. લગ્ન માટે કપલ હાલમાં ઇટાલી પહોંચી ચૂક્યું છે. તેમનાં લગ્નની ખાસ તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે. વેન્યુની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ચૂકી છે, પરંતુ સૌથી વધુ એ વાતની ચર્ચા થઇ રહી છે કે લગ્નમાં રણવીરસિંહ જાન લઇને કયા અંદાજમાં એન્ટ્રી કરશે.

આ વાતનો ખુલાસો થઇ ચૂક્યો છે. રણવીરની એન્ટ્રી જબરદસ્ત રીતે થશે. તે કોઇ કાર કે ઘોડા પર બેસીને નહીં આવે. રણવીર પોતાના અનોખા અંદાજમાં સી-પ્લેનથી એન્ટ્રી કરશે. આ પ્લેનમાં ૧૪ લોકોના બેસવાની વ્યવસ્થા હોય છે. રણવીરની સાથે તેનો પરિવાર આ પ્લેનથી વેન્યુ સુધી ખાસ અંદાજમાં આવશે. રણવીરનાં લગ્નમાં ખાસ ૧૪ મહેમાનો ઉપરાંત બાકીના ગેસ્ટ લકઝરી યાટમાં આવશે. લગ્નની ઇવેન્ટમાં કોમ્બિનેશનનું ખૂબ જ ધ્યાન રખાયું છે. મહેમાનો માટે બે યાટનું બુકિંગ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે લગ્નમાં બે સેરેમની હશે. પહેલી કોંકણી રિવાજ મુજબ અને બીજી સિંધી રિવાજ મુજબ થશે, કેમ કે રણવીર સિંધી છે. તેથી આ લગ્ન બે અલગ અલગ ‌રીતિરિવાજથી થઇ રહ્યાં છે. ગેટઅપની વાત છે તો કોંકણી રીતિરિવાજથી થનારા લગ્નમાં દીપિકા સાડી અને સોનાનાં આકર્ષક આભૂષણ પહેરશે.

સિંધી રીતરિવાજથી થનારાં લગ્નમાં દીપિકા લહેંગો પહેરશે. તેનો રંગ ગુલાબી અને પર્પલ જણાવવામાં આવી રહ્યો છે. આ સાથે તે રિગલ જડાઉ નેકલેસ પહેરશે. લગ્નની તસવીરો લીક ન થાય તેની ખાસ તૈયારીઓ કરાઇ છે. ઇવેન્ટમાં સેલફોન લાવવાની અનુમતિ નથી. તેથી તમામ મહેમાનો લગ્નને સંપૂર્ણપણે એન્જોય કરી શકે.

You might also like