‘પદ્માવતી’ ફિલ્મના વિવાદને લઇને દીપિકાએ કહ્યું કંઇક આવું…..

ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળી અને અભિનેત્રી દીપિકા પદુકોણને મળનારી ધમકીઓનો દોર ચાલુ છે. ‘પદ્માવતી’ પર વિવાદ વધી રહ્યો છે. અત્યાર સુધી દીપિકા આ વિષય પર કંઇ પણ બોલતી ન હતી, પરંતુ હવે તે ખૂલીને બોલવા લાગી છે. તેનું કહેવું છે કે આવા વિવાદોથી તેના કામ પર કોઇ ફરક પડતો નથી.

આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યે તેને ૧૦ વર્ષ થઇ ગયાં છે અને એક કલાકારના રૂપમાં તે રોજ કંઇક નવું શીખતી રહે છે. તે કહે છે કે જો લોકો એવું માની રહ્યા હોય કે ‘પદ્માવતી’ સાથે સંકળાયેલા લોકો ડરી રહ્યા છે તો તેઓ ખોટા છે. કમસે કમ પોતે આવી કોઇ ધમકીઓથી ડરતી નથી. અમે ખૂબ જ મહેનતથી ફિલ્મ બનાવી છે. મેં આ ફિલ્મ માટે હોલિવૂડની ફિલ્મ પણ ઠુકરાવી દીધી હતી. હવે જે થશે તે ભગવાન ભરોસે છે.

આ ફિલ્મમાં રણવીરસિંહે દિલ્હી સલ્તનતના શાસક અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવી છે. તે ખૂબ જ ક્રૂર અને ગરમ મિજાજના મનાતા હતા. ફિલ્મમાં ભૂમિકા નિભાવતી વખતે અસલી જિંદગીમાં પણ રણવીર ગુસ્સાવાળો થઇ ગયો હતો અને વાતવાતમાં ચીડાઇ જતો હતો. ‘પદ્માવતી’ના પ્રમોશન દરમિયાન એક વાતચીતમાં દીપિકાએ પણ માન્યું હતું કે આ ફિલ્મમાં નિભાયેલાં પાત્રોથી દરેક વ્યક્તિ પર ક્યાંક ને ક્યાંક તો અસર થઇ જ હતી.

રણવીરસિંહ પર અલાઉદ્દીન ખિલજીનો કંઇક વધારે જ પ્રભાવ પડ્યો. તે નાની નાની વાતમાં ચીડાઇ જતો હતો. આ કારણે તેને તેની ખાસ મિત્ર દીપિકા સાથે પણ એક-બે વખત ઝઘડો થઇ ગયો હતો. દીપિકાએ એમ પણ કહ્યું હતું કે ‘પદ્માવતી’ જેવા રોલ એક મહિલા કલાકારના જીવનમાં વારંવાર આવતા નથી. તેણે આ રોલને જીવ્યો છે અને તેની ઉજવણી કરી છે. દેશભરમાં દીપિકા પર રાણી પદ્માવતીના રોલને ખોટી રીતે ચીતરવાનો આક્ષેપ લગાવીને વિરોધ થઇ રહ્યો છે. •

You might also like