ટોચની નહીં, ટોપ અભિનેત્રી બનવું છેઃ દીપિકા પદુકોણ

દીપિકા પદુકોણ એ અભિનેત્રીઓમાં સામેલ નથી, જે ટોચ પર પહોંચ્યા બાદ આઇટમ નંબરને ઠોકર મારી દે. એક બાજુ તે હોલિવૂડની એક્શન ફિલ્મ કરી ચૂકી છે તો બીજી તરફ તે એક ઐતિહાસિક પાત્ર ભજવવા જઇ રહી છે. અલગ અલગ રોલ કરવા તેની ખાસિયત છે. પુરુષોની આ ઇન્ડસ્ટ્રીમાં તેણે ધક્કો મારીને નહીં, પરંતુ સહજ ભાવથી પોતાની જગ્યા બનાવી છે. ‘પદ્માવતી’ ફિલ્મના માધ્યમથી ફરી એક વાર તે ઐતિહાસિક પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં તે કહે છે કે આ પ્રકારના રોલ ખૂબ જ ખાસ હોય છે. ઘણી ઓછી અભિનેત્રીઓને આ પ્રકારની ભૂમિકાઓ ભજવવા મળે છે. આ મારી કિસ્મત છે કે મને આવા રોલ ઓફર થાય છે અને ભણસાલી સર જેવા નિર્દેશકને મારા પર ભરોસો છે તે પણ મારા માટે ગર્વની વાત છે.

દીપિકાની ટક્કરમાં હાલમાં કોઇ અભિનેત્રી દેખાતી નથી. તેને નંબર વન અભિનેત્રીનો ટેગ મળી ચૂક્યો છે. આ અંગે વાત કરતાં તે કહે છે કે હું નંબર ગેમમાં વિશ્વાસ રાખતી નથી. આજે હું ટોપ પર છું, પરંતુ કાલે ન પણ હોઉં, પરંતુ જો મને એક સારી અભિનેત્રી તરીકે પ્રતિષ્ઠા મળે તો તે સ્થાયી હોય છે. આ પ્રતિષ્ઠા જિંદગીભર તમને સાથ આપે છે. મારી કોશિશ ક્યારેય નંબર વન હીરોઇન બનવાની રહી નથી, પરંતુ હું એક શ્રેષ્ઠ અભિનેત્રી બનવા ઇચ્છું છું. તાજેતરમાં દિનેશ વિઝાનની ફિલ્મ ‘રાબતા’માં દીપિકાએ એક આઇટમ સોંગ કરવાનું સ્વીકાર્યું. તે કહે છે કે દોસ્તી નામની પણ કોઇ વસ્તુ હોય છે. તે મારા એ સમયના મિત્ર છે જ્યારે મારી કરિયર બની રહી હતી અને એમ પણ મને આઇટમ સોંગ કરવાં ગમે છે. આપણી ફિલ્મોનો તે હંમેશાં એક ભાગ રહ્યાં છે. •
http://sambhaavnews.com/

You might also like