દિવાળીના મુહૂર્ત મુજબ શેરબજાર નવી ઊંચાઈને આંબી શકે છે

અમદાવાદ: વિક્રમ સંવત ૨૦૭૩ના વર્ષ માટે દિવાળીના દિવસે ૩૦ ઓક્ટોબર, ૨૦૧૬એ શેરબજારનું મુહૂર્ત છે. મુહૂર્ત સમય સાંજે ૬.૩૦થી ટ્રેડિંગની શરૂઆત થશે. આ સમયની કુંડળીના ગ્રહો અનુસાર આવનાર વર્ષ દરમિયાન કેવું રહેશે તે જ્યોતિષશાસ્ત્રમાંથી જાણી શકાય.

મુહૂર્ત સમયની કુંડળીમાં બળવાન મેષ લગ્ન ઉદત થાય છે, જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચર લગ્ન હોવાથી આવનાર વર્ષ દરમિયાન શેરબજારમાં તેજી થાય તેવા સંકેત આપે છે. યોગાનુયોગ ચર લગ્ન મેષનો અધિપતિ મંગળ નવમે ભાગ્ય ભાવમાં રહી લગ્નને બળવાન બનાવે છે. અહીં મંગળ ધન રાશિનો મિત્ર ક્ષેત્રી બને, જે સૂચક છે કે આવનાર વર્ષ દરમિયાન બજાર અગાઉ મહત્તમ સપાટી ૩૦,૦૦૦ના આંકને વટાવી જાય તો નવાઇ નહીં.

વર્તમાન સમયમાં સેન્સેક્સ ૨૭,૮૦૦ની આસપાસ જોવા મળી રહ્યો છે. આવા સંજોગો જોતાં આવનાર વર્ષ રોકાણકારો અને ટ્રેડર્સ માટે લાભદાયી પુરવાર થઇ શકે છે. જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર મુહૂર્ત સમયની કુંડળીમાં સૂર્ય, ચંદ્ર અને બુધ સાતમા ભાવે રહી લગ્નને બળવાન બનાવે છે. તે જ પ્રકારે શુક્ર અને શનિ બંને મિત્ર ગ્રહોનો વૃશ્ચિક રાશિમાં યોગ શુભ કરે છે. વર્તમાન કુંડળીમાં પાંચમા શેરસટ્ટા ભાવમાં બળવાન સિંહ રાશિમાં રાહુનું હોવું સૂચવે છે કે વર્ષ દરમિયાન મોટી વધ-ઘટ ઘણા દિવસમાં જોવાઇ શકે છે, પરંતુ પાંચમે રાહુનું હોવા જેવા કારણથી પણ બજારમાં મોટી તેજી કરે તેવા યોગ રહે છે. કેવળ આ કુંડળીમાં છઠ્ઠા ભાવે કન્યાનો ગુરુ થોડી અસમંજસ કે નકારાત્મકતા લાવી શકે છે, જે કોઇ મોટી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે સંભવી શકે તેવી હોઇ શકે.

આમ, એકંદરે ગોચરના ગ્રહો અને મુહૂર્ત સમયની કુંડળી અનુસાર સેન્સેક્સ ૩૦ હજારના આંકને પાર કરી નવી ઊંચાઇ હાંસલ કરી શકે. વર્ષ દરમિયાન બજાર ટ્રેડર્સ અને લાંબા ગાળાનું રોકાણ કરનારાઓ માટે એકંદરે લાભદાયી પુરવાર થશે. મુહૂર્તની કુંડળી અનુસાર ફેબ્રુઆરી-૨૦૧૭થી ઓગસ્ટ-૨૦૧૭ની વચ્ચે સેન્સેક્સ નવી ઊંચાઇએ પહોંચી શકે છે.

કુંડળી અનુસાર કયા સેક્ટરમાં તેજી જોવાઈ શકે છે?
શેરબજારની મુહૂર્ત સમયની કુંડળીનું ચર લગ્ન હોવાથી વર્ષ દરમિયાન મહત્તમ બેન્કિંગ ક્ષેત્રે-એફએમસીજી, ફાર્માસ્યુટિકલ અને મેટલ સેક્ટરમાં તેજી જોવા મળી શકે છે.

You might also like