સરકાર પાસેથી ફક્ત રૂ. બે લાખ લઈને દીપા ફાઇનલ સુધી રમી

નવી દિલ્હીઃ રિયો ઓલિમ્પિક માટે સરકારે એથ્લીટ્સ પર કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા. ઘણા એથ્લીટ્સ તો પોતાના ફેમિલી મેમ્બરને રિયો સુધી લઈ ગયા. સાનિયા મિર્ઝાની માતા ટેનિસ ટીમની મેનેજર બની. ગોલ્ફર અદિતિ અશોકના પિતા પણ સાથે ગયા હતા. મેરેથોન એથ્લીટ કવિતા રાઉતને ૨૬ લાખ અને શૂટર હીના સિદ્ધુને એક કરોડ રૂપિયા સરકાર તરફથી મળ્યા હતા, પરંતુ આમાંથી મોટા ભાગના ખેલાડી ફાઇનલમાં સ્થાન મેળવી શક્યા નહીં, જ્યારે જિમ્નાસ્ટ દીપા કર્માકરે સરકાર પાસેથી ફક્ત રૂ. બે લાખની મદદ મળી, પરંતુ પોતાનાં પ્રદર્શનથી તેણે દેશનું દિલ જીતી લીધું. ૧૨૦ વર્ષમાં પહેલી વાર દીપાએ ભારતને જિમનાસ્ટિક્સની ફાઇનલ સુધી પહોંચાડ્યું.

ઉલ્લેખનીય છે કે આ વખતે ભારતે ૧૧૯ એથ્લીટ્સ રિયો મોકલ્યા હતા. આશા રાખવામાં આવી હતી કે ૧૯ મેડલ તો મળશે જ, પરંતુ ફક્ત શટલર પી. વી. સિંધુએ બેડમિન્ટનમાં સિલ્વર અને સાક્ષી મલિકે મહિલા રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સરકારે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ (ટોપ્સ) સ્કીમ અંતર્ગત એથ્લીટ્સને પસંદ કર્યા હતા અને તેઓ પર કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હતા. જિમનાસ્ટ દીપા કર્માકરને રમત મંત્રાલયે વિદેશમાં ટ્રેનિંગની ઓફર આપી હતી, પરંતુ
દીપાએ પોતાના કોચ બિશેશ્વર નંદી પાસેથી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ટ્રેનિંગ લીધી. તેને ફક્ત બે લાખ રૂપિયા મળ્યા હતા. ઓલિમ્પિકમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું. દીપાએ પ્રોડુનોવા વોલ્ટ ઇવેન્ટમાં ચોથી પોઝિશન હાંસલ કરી.

શૂટર હીનાને એક કરોડ મળ્યા
શૂટર હીના સિદ્ધુને સરકારની ટોપ્સ સ્કીમ અંતર્ગત રૂ. એક કરોડ મળ્યા હતા. તે પોતાના પતિ રોનક પંડિત પાસેથી જ ટ્રેનિંગ લે છે, પરંતુ તે પોતાની ઇવેન્ટ ૧૦ મીટર અને ૨૫ મીટર એર પિસ્ટલ ઇવેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવી શકી નહીં. આ ઉપરાંત શૂટર અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, માનવજિત સંધુ અને ડિસ્ક્સ થ્રોઅર વિકાસ ગૌડાને પણ તૈયારીઓ એક-એક કરોડ રૂપિયા મળ્યા હતા, પરંતુ કોઈ પણ મેડલ જીતી ના શક્યું. સાઇના નેહવાલને પણ એક કરોડ રૂપિયા મળ્યા, જ્યારે તેના કોચ વિમલકુમારને એક લાખ રૂપિયા પ્રતિ માસ ચૂકવાય છે. સાઇના ક્વાર્ટર ફાઇનલ સુધી પણ પહોંચી ના શકી. જોકે તેની ઈજાને આનું કારણ બતાવવામાં આવ્યું છે.

ડિસ્ક્સ થ્રોઅર વિકાસ કોચના સ્થાને પિતાને રિયો લઈ ગયો
કેટલાક પોતાના ફેમિલી મેમ્બરને રિયો લઈ ગયા, જેનો ખર્ચ સરકારે ઉઠાવ્યો. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની માતા ટેનિસ ટીમની મેનેજર બની. ગોલ્ફર અદિતિ અશોકના પિતા પણ સરકારી ખર્ચે રિયો પહોંચી ગયા. ડિસ્ક્સ થ્રોઅર સીમા પુનિયાનો પતિ અંકુશ તેનો કોચ બની રિયો પહોંચ્યો. એથ્લીટ સપના પુનિયા અને શોટપૂટર મનપ્રીતકૌરની સાથે તેના પતિ પોલેન્ડમાં ટ્રેનિંગ કેમ્પમાં ગયા. વિકાસ પોતાના પિતા શિવને કોચ જોન ગુડિનાના સ્થાને રિયો લઈ ગયો.
કૃષ્ણા ક્વોલિફાય પણ ના કરી શકી

ડિસ્ક્સ થ્રોઅર કૃષ્ણા પુનિયા ઈજાને કારણે બે વર્ષ રમતથી દૂર રહી હતી. પછી તેણે રાજસ્થાનમાં ચૂંટણી લડી. અમેરિકામાં ટ્રેનિંગ માટે ૪૦ લાખ રૂપિયાની રકમ મળી, પરંતુ તે રિયો માટે ક્વોલિફાય પણ કરી શકી નહીં. સીમા અંતિલને ૭૫ લાખ રૂપિયા મળ્યા. તે પણ ફાઇનલમાં પહોંચી શકી નહીં. સિલ્વર મેડલ જીતનારી પી. વી. સિંધુએ ઓલિમ્પિકની તૈયારીઓ માટે ૪૪ લાખ અે બ્રોન્ઝ મેડલ જીતનારી સાક્ષી મલિકને સરકાર તરફથી રૂ. ૧૨ લાખ મળ્યા હતા.

કવિતાએ ૬૫ ટકા નાણાં રહેવા પાછળ ખર્ચી નાખ્યાં
અેથ્લીટ કવિતા રાઉતને ઊટીમાં ત્રણ મહિનાની ટ્રેનિંગ માટે ૨૬ લાખ રૂપિયા મળ્યા. તેણે ૧૯ લાખ રૂપિયા એટલે કે ૬૫ ટકા નાણાં તો રહેવા પાછળ ખર્ચી નાખ્યા. ટેનિસ ખેલાડી પ્રાર્થના થોમ્બરેને ૩૦ લાખ રૂપિયા મળ્યા હતા, પરંતુ તેની અને સાનિયા મિર્ઝાની જોડી રિયોમાં પહેલા રાઉન્ડમાંથી જ બહાર ફેંકાઈ ગઈ. દૂતી ચંદને ૩૦ લાખ રૂપિયા મળ્યા હતા.

You might also like