ભારતને ટ્રમ્પનો મોટો ઝટકોઃ ટેક્સ ફ્રી GSP સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી)નો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ માહિતી પોતાની સંસદને આપી દીધી છે. ભારત ઉપરાંત તુર્કી પણ છે કે જેની સાથે અમેરિકા આ વ્યાપારી સંબંધો તોડી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની જાણકારી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ રોબર્ટ લાઈટઝરે આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તે ભારત સાથેના વ્યાપારમાં ૫.૬ બિલિયન યુએસ ડોલરની નિકાસ પર ટેરિફ સુવિધા બંધ કરવા માગે છે. બંને દેશ વચ્ચે થયેલા કરાર હેઠળ આ ભારતને અમેરિકા તરફથી એક પ્રકારની વ્યાપારી છૂટછાટ છે. આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી દીધી છે કે ભારતને મળતી તમામ ટેક્સ રાહતો હવે અમેરિકા બંધ કરી દેશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કેટલીય અમેરિકન પ્રોડક્ટ પર લાગતી વધારે ઈમ્પોર્ટ ડ્યૂટીની પણ ટીકા કરી છે. ભારતની વધુ પડતી ઈમ્પોર્ટ ડ્યૂટીને આડે હાથ લેતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેઓ પણ ભારતીય પ્રોડક્ટ પર આજ પ્રકારની ડ્યૂટી લગાવવા ઈચ્છે છે.

જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) એક એવો અમેરિકાનો ટ્રેડ પ્રોગ્રામ છે જેના અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાં આર્થિક પ્રગતિ માટે પોતાને ત્યાં ટેક્સ વગરના માલસામાનની આયાત કરે છે. અમેરિકાએ દુનિયાના ૧૨૯ દેશને આ સુવિધા આપી છે, જ્યાંથી ૪૮૦૦ પ્રોડક્ટસની આયાત થાય છે. અમેરિકાએ ટ્રેડ એક્ટ ૧૯૭૪ હેઠળ ૧ જાન્યુઆરી ૧૯૭૬ના રોજ જીએસપી સિસ્ટમ ઊભી કરી હતી.

ડાેનાલ્ડ ટ્રમ્પ તરફથી આ નિર્ણય પર હસ્તાક્ષર થયા બાદ ૬૦ દિવસનું નોટિફિકેશન મોકલી આપવામાં આવ્યું છે. જીએસપી બંધ કરવાની આ જ એક કાનૂની પ્રક્રિયા છે તેના કારણે ભારત અને તુર્કીની લગભગ ૨૦૦૦ પ્રોડક્ટસની આયાત ઉપર અસર પડશે. તેમાં ઓટોપાર્ટ્સ, ઈન્ડસ્ટ્રિયલ વાલ્વ અને ટેક્સટાઈલ મટીરિયલ મુખ્ય છે.

ડાેનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે તો આ નિર્ણય પાછો ખેંચી શકે છે, પરંતુ તે માટે ભારત અને તુર્કીએ અમેરિકન વહીવટી તંત્રની ચિંતાઓ દૂર કરવી પડશે. વર્ષ ૨૦૧૭માં ભારત વિકાસશીલ દેશોમાંનો એક માત્ર દેશ હતો જેને જીએસપી હેઠળ સૌથી વધુ લાભ મળ્યો હતો. ભારતથી અમેરિકાને ૫.૭ અબજ ડોલરની આયાત કોઈ પણ જાતના ટેક્સ વગર કરવામાં આવી હતી.

You might also like