Header

કૌન બનેગા પ્રદેશ ભાજપ પ્રમુખનો ફેસલો શુક્રવારે

અમદાવાદ : હિન્દી સિનેજગતના મહાનાયક અમિતાભ બચ્ચનની ‘કૌન બનેગા કરોડપતિ’ સિરીયલની જેમ છેલ્લા ચાર-પાંચ મહિનાથી ‘કૌન બનેગા ગુજરાત ભાજપ પ્રમુખ’નો મુદ્દો રાજકીય વર્તુળોમાં ચર્ચાસ્પદ બન્યો હતો. એક અથવા બીજા અગ્રણીના નામ ભાવિ પ્રમુખ તરીકે સમયાંતરે ઉછળતા રહેતા હતા, પછી સમય વિત્યે આપમેળે ભૂંસાતા જતા હતા અને ફરીથી નવી અટકળો શરૃ થતી હતી. જો કે હવે આગામી ૧૯મી ફેબ્રુઆરીએ બપોરે ૧૨.૩૯ વાગ્યે ભાજપ પ્રદેશ પ્રમુખના નામની અધિકૃત રીતની જાહેરાત નિશ્ચિત બની છે.

પ્રદેશ સંરચના અધિકારી અને પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ તેમજ પ્રદેશ પ્રવક્તા આઈ. કે. પટેલે આજે પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આગામી શુક્રવાર, તા. ૧૯મી ફેબ્રુઆરીએ પક્ષના રાષ્ટ્રીય અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં નવા પ્રમુખ માટેની ચૂંટણી હાથ ધરાશે. પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ્ ખાતે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી ડૉ. દિનેશ શર્મા, પ્રદેશ ચૂંટણી નિરીક્ષક અને સાંસદ અર્જુન મેધવાલ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતિષજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ         પરષોત્તમ રૃપાલા, પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુની ઉપસ્થિતિમાં નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી યોજાશે.

શુક્રવાર, તા. ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૧૬એ સવારે ૧૧થી ૧૨ વાગ્યા દરમ્યાન પ્રમુખ માટેના ઉમેદવારીપત્ર ભરાશે ત્યારબાદ બપોરે ૧૨થી ૧૨.૨૦ દરમ્યાન આ ઉમેદવારીપત્રોની ચકાસણી કરી સંરચના પ્રક્રિયા હાથ ધરી ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખના નામની ગોષણા કરાશે. બપોરના ૧૨.૩૯ વાગ્યાના વિજયી મુહૂર્તમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે.

પ્રદેશ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં રાજ્યના જિલ્લા-મહાનગરના સંગઠનના પ્રમુખ, વિધાનસભામાં પક્ષના ધારાસભ્યો, સંસદસભ્યો અને પ્રાદેશિક પ્રતિનિધિઓ ભાગ લેશે. આ માટેના કુલ ૧૩૫ મતદાર મંડળ છે તેમ પ્રદેશ સંરચના અધિકારી પટેલ અને પ્રદેશ પ્રવક્તા જાડેજાએ જણાવ્યું હતું.

ઉપસ્થિત રહેનારા મહાનુભાવો
આનંદીબહેન પટેલ : મુખ્યમંત્રી
ડૉ. દિનેશ શર્મા : રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી
અર્જુન મેધવાલ : પ્રદેશ ચૂંટણી નિરીક્ષક
વી. સતીષ : રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી
પરષોત્તમ રૃપાલા : રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
આર. સી. ફળદુ : પ્રદેશ પ્રમુખ
ચૂંટણીમાં ભાગ લેનારા મતદારો
જિલ્લાના નવનિયુક્ત સંગઠનના પ્રમુખ – કુલ ૨૫
વિધાનસભા પક્ષના ધારાસભ્યો (દસ ટકા મુજબ) – કુલ ૧૨
સંસદ સભ્યો – કુલ ૩
પ્રાદેશિક પ્રતિનિધિઓ – કુલ ૯૫
કુલ મતદારો – ૧૩૫

શંભુપ્રસાદ ટુંડિયા પાણીમાં બેઠા
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અમુક વર્તુળોએ તો નવા પ્રમુખ તરીકે વરણી કરી જ નાંખી હતી તેમ છતાં ભૂપેન્દ્રસિંહે મૌન ધારણ કરી રાખ્યું. પરંતુ જ્યારે રાજ્યસભાના સંસદસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાનું નામ કેટલાક વર્તુળોમાં ચર્ચાયું કે કલાકોમાં હાંફળા ફાંફળા થયેલા શંભુપ્રસાદ પોતાને પક્ષનો અદનો કાર્યકર ગણાવીને રદિયો આપવો પડ્યો. જો કે ટુંડિયા જે રીતે ગભરાટમાં આવીને પાણીમાં બેઠા તેને લઈને પક્ષના જાણકાર વર્તુળોમાં બારે રમૂજ પ્રસરી ગઈ હતી.

વિજય રૃપાણી સર્વસંમતિથી નવા પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા
રાજ્યના પાણી પુરવઠા અને વાહન વ્યવહાર મંત્રી વિજય રૃપાણી નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સર્વસંમતિથી ૧૯મી ફેબ્રુઆરીએ ચૂંટાઈ આવે તેવી પ્રબળ શક્યતા છે. ભાજપની પરંપરા મુજબ પ્રમુખપદની ચૂંટણીમાં હરહમેશ સર્વસંમતિથી થતી આવી છે. એટલે વિજય રૃપાણી ચૂંટણીમાં બિનહરીફ વિજયી જાહેર થાય તો તે પક્ષની પરંપરા મુજબ જ થશે.

You might also like