આસારામ કેસમાં આવતી કાલે ચુકાદોઃ જોધપુરમાં એલર્ટ, આશ્રમ ખાલી કરાવાયા

જોધપુર: યૌનશોષણ કેસમાં જોધપુરની જેલમાં સજા ભોગવી રહેલા આસારામ અંગે આવતી કાલે ૨૫ એપ્રિલે જોધપુર કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. કાલે ચુકાદાને ધ્યાનમાં લઈને પોલીસને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોધપુર સ્થિત આશારામના બંને આશ્રમ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યા છે.

જોધપુરના પાલ અને મણાઈ સ્થિત બંને આશ્રમ પર પોલીસદળ તહેનાત કરી દેવામાં આવ્યાં છે, સાથે-સાથે યૌનશોષણ કેસની પીડિતાના ઘરે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

જોધપુર સ્થિત આશ્રમમાં વર્ષોથી રહેતા આસારામના અનુયાયીઓને ઘરે રવાના કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં સંભળાવવામાં આવનાર ચુકાદાને ધ્યાનમાં લઈને આસારામે પણ પોતાના ભક્તોને એક પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેમણે ભક્તોને જણાવ્યું છે કે તેઓ ચુકાદાના દિવસે જોધપુર ન આવે. તેઓ જ્યાં હોય ત્યાં રહે અને મારી મુક્તિ માટે પ્રાર્થના કરે. મારા ભક્તો કાયદાનું પાલન કરે. જોધપુર આવીને પોતાના સમય અને નાણાંનો દુર્વ્યય ન કરે. મને ભગવાન પર ભરોસો છે.

આ કેસના મામલે ૩૦ એપ્રિલ સુધી જોધપુરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ સાથે કલમ-૧૪૪ લાગુ કરવામાં આ‍વી છે. આ એલર્ટ ૩૦ એપ્રિલના રોજ સાંજના પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે.

આવતી કાલે આ કેસનો ચુકાદો આવવાનો છે ત્યારે જોધપુરમાં આસારામના અનેક સમર્થકો ઊમટી પડે તેવી સંભાવના હોવાથી શહેર પોલીસ સંભવિત ઘર્ષણ ટાળ‍વા બહારથી આવતા લોકોને રોકવાના પ્રયાસ કરશે.

You might also like