વર્ષાંતે રાજ્ય ‘ઉડતા ગુજરાત’ બનવાનો ખતરો

“મલ્ટિપ્લેક્સ સેટેલાઈટમાં છે, તમારે કઈ ફિલ્મ જોવી છે? ‘દિલવાલે,’ ‘મસ્તાની,’ ‘દીવાની’, ‘દીપિકા’, ‘પ્રિયંકા’, ‘બાજીરાવ’, ‘આમિર ખાન’ અને ‘શાહરૂખ-મન્નત’ ?” કોઈને આવી વાતો કરતા સાંભળીને ચોંકી ન ઊઠતા. આજકાલ બજારમાં આવા શબ્દો અને આવી વાતો બહુ સાંભળવા મળી રહી છે. આ ભાષા એ પોલીસથી બચવા માટે કેફી નશાના સોદાગરોની કોડવર્ડ ભાષા છે. મલ્ટિપ્લેક્સનો મતલબ છે પાર્ટીની જગ્યા અને ફિલ્મ એટલે નશાનું નામ. છેલ્લાં બે વર્ષથી આવી કોડવર્ડ ભાષાનો ઉપયોગ થાય છે. આવી વાતો ઠેરઠેર કાને પડી રહી છે, કેમ કે ર૦૧૭નું નવું વર્ષ દરવાજે ટકોરા મારી રહ્યું છે. ર૦૧૬ને બાય બાય કરવા અને ર૦૧૭ને વેલકમ કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આવી ઉજવણીઓ સામાન્ય પાર્ટીથી જ નથી થતી પરંતુ મુંબઈ, પૂના, દિલ્હી જેવાં મહાનગરોની જેમ ગુજરાતમાં પણ રેવ પાર્ટી કલ્ચરનાં પગરણ થઈ ચૂક્યાં છે. એટલે જ મોટાપાયે નશીલા પદાર્થો નશાના સોદાગરોએ મગાવી લીધા છે. ગત વર્ષે ડ્રગ્સનું વેચાણ કરવા માટે નશીલા પદાર્થોનાં નામ કેટલાક રાજકીય નેતાઓ અને પક્ષનાં નામ ઉપરથી રખાયાં હતાં, જેની પોલીસને જાણ થઈ જતાં આ વર્ષે મલ્ટિપ્લેક્સ, ફિલ્મ અને બોલિવૂડ કલાકારોનાં નામ રખાયાં છે.

યંગ જનરેશન ડ્રગ્સની લપેટમાં
આ દિવસોમાં ડ્રગ્સ, ચરસ, હેરોઈન, કોકેઇન જેવા પદાર્થોની ભારે ડિમાન્ડ રહે છે. નશીલા પદાર્થોની વટાણા જેવી નાની ગોળીઓ બનાવી સિગારેટમાં ભેળવીને તેનું સેવન કરવામાં આવે છે. એક તરફ  ધુમાડિયું  વાતાવરણ, કાનના પડદા ફાડી નાખે એટલું ફાસ્ટ વાગતું રોક મ્યુઝિક અને બીજી તરફ  શરાબ-શબાબની મહેફિલનો દોર ચાલે છે. આવી પાર્ટીઓ અને વધતાં કલ્ચરથી ધીમાં પગલે ગુજરાતની યંગ જનરેશન ડ્રગ્સની લપેટમાં આવી રહી છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે.

નવા વર્ષની પાર્ટી ઘણી ઓછી થવાની વાતો હોય છે, પરંતુ યુવાનોએ આખી રાત ખુલ્લામને મોજ માણવા ખાનગીમાં  શરાબ-શબાબની પાર્ટીનાં આયોજનો ઘડી કાઢ્યાં હોય છે. આવી પાર્ટીઓમાં બિયર, વૉડકા કે ટકીલાના પેગ ભરીને યુવક-યુવતીઓ મસ્ત બનીને પાર્ટીને ઍન્જોય કરે છે. આવી ખાનગી પાર્ટીઓમાં મુંબઈ અને દિલ્હીથી બાર ગર્લ્સને પણ બોલાવવામાં આવે છે. મહેફિલની શાનમાં વધારો કરવા રશિયન ડાન્સરો પણ બોલાવાય છે. જોકે પાર્ટીની ચરમસીમા તો ત્યારે આવે, જ્યારે એક ખૂણામાં નશીલા પદાર્થનું સેવન થતું હોય. આવી પાર્ટીઓમાં યંગસ્ટર્સની સાથે ભદ્ર પરિવારની યુવતીઓ પણ બિન્ધાસ્ત ડ્રગ્સ લેતી હોય છે.

નશીલા પદાર્થો બ્લેક ગોલ્ડ સમાન
ડ્રગ્સની આદત માટે માફિયાઓ દ્વારા સૌથી પહેલાં યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે. હવે તો અમદાવાદ, સુુરત, વડોદરા અને રાજકોટ જેવાં મોટાં શહેરોના યુવાનો ડ્રગ્સની લતે ચડે તે માટે ચોક્કસ મોડસ ઓપરેન્ડી દ્વારા માફિયાઓ તેમને બંધાણી બનાવે છે. વટાણા જેવડી ચરસની ગોળી તૈયાર કરીને તેને સ્થાનિક ડ્રગ્સ ડિલર મારફતે યુવાનોને વેચવામાં આવે છે, જેનો ર૦૦થી રપ૦ રૂપિયા સુધીનો ભાવ વસૂલવામાં આવે છે. દારૂની લતે ચડી ગયેલા યુવાનો આસાનીથી ચરસ અને ડ્રગ્સના રવાડે ચઢી જાય છે. તેઓ ચરસ કે અફીણની નાની ગોળી બનાવીને સિગારેટમાં મિક્સ કરીને પીવામાં શાણપણ સમજે  છે. વર્ષની વિદાય નજીક આવતાં હાલ તો આ ધંંધામાં ચાંદી ચાંદી છે. માફિયાઓ માટે નશીલા પદાર્થો આવા દિવસોમાં બ્લેક ગોલ્ડ સાબિત થઈ રહ્યા છે.

અમદાવાદમાં ઉજવણીનો રંગ
ઉત્સવપ્રિય અમદાવાદીઓ ૩૧ ડિસેમ્બરની રાત્રીએ દારૂ ને ડ્રગ્સનું સેવન કરી ઘેલાં બની જાય છે. છેલબટાઉ નબીરાઓ એસ.જી.હાઈવે, જજીસ બંગલા રોડ, વસ્ત્રાપુર તળાવ, ગુરુકુળ રોડ, અંકુર, આશ્રમ રોડ, સી.જી. રોડ ઉપર નીકળી પડે છે. રીંગ રોડ પરનાં ફાર્મહાઉસોમાં પણ આવી પાર્ટીઓનાં આયોજન થતાં હોય છે, જેમાં શરાબ-શબાબ અને ડ્રગ્સના સેવન સાથે ફાઈવસ્ટાર પાર્ટીઓ પણ ઊજવાય છે. ગત વર્ષે જ અમદાવાદ પાસેના એક

ફાર્મહાઉસમાં સ્ટ્રીપ્ટીઝ પાર્ટી પણ થઈ હતી. જેમાં યુવક-યુવતીઓએ નશામાં ધૂત થઈને કપડાં ઉતાર્યાં હતાં. તો વળી માલેતુજાર પરિવારની ૪૦થી પ૦ મહિલાઓના એક જૂથે મુંબઈથી તાલીમબદ્ધ સ્ટ્રીપર્સને બોલાવી ઈન્ટરનેશનલ લેવલની પાર્ટી માણવાની ઇચ્છા પણ પૂરી કરી હતી.

જલસાની ઘેલછા, મસ્તીનું નામ રેવ પાર્ટી
આવી પાર્ટીઓમાં કાન અને મગજ ફાટી જાય એવુંં લાઉડ ટ્રાન્સ મ્યુઝિક, આછા અંધારા જેવી રોશની, હાથમાં સિગારેટ, શરાબની બોટલો, રગોમાં દોડતું ડ્રગ અને ઝૂમતી કાયા જોવા મળે છે. જાતજાતના કેફી પદાર્થનો નશો  રેવ પાર્ટીનું એક આકર્ષણ છે તો બીજું આકર્ષણ યુવક અને યુવતીઓનું હોય છે. આવી પાર્ટીઓમાં માલેતુજાર પરિવારના યંગસ્ટર્સ સાથે કૉલેજિયન્સ પણ મજા માણવા આતુર હોય છે. ક્યારેક આવી પાર્ટીમાં મૉડેલ અને સેલિબ્રિટીઝને બોલાવીને ડબલ મજા માણવાના પ્રયાસો થાય છે. ડિસેેમ્બર મહિનાના અંતને ધ્યાને લઈને થતી આવી પાર્ટીઓ જાન્યુઆરી માસ સુધી ચાલે છે.

ડ્રગનું એટ્રેકશન શા માટે?
ડ્રગ્સ લેનાર વ્યક્તિ ડ્રગ્સની અસર હેઠળ હોય ત્યારે સાતમા આસમાને હોય એવી લાગણી અનુભવે છે. મોટાભાગે પાર્ટીમાં ડ્રગ્સ લેનારા લોકોની સંખ્યા વધુ હોય છે. ડ્રગ્સના સેવનથી વ્યક્તિ અતિશય એનર્જેટિક અને એક્સાઈટમેન્ટ અનુભવે છે. કેટલાંક ડ્રગ્સ સેક્સ્યુઅલ ડ્રાઈવને હાઈ નોટ પર લઈ જાય છે. ડ્રગ્સના સેવનથી બધાં જ ટેન્શન સાથે થોડીક ક્ષણ નાતો તૂટી જાય છે. આથી જ ખુશી અને એક્સાઈટમેન્ટનો અનુભવ લેવા તથા દેખાદેખી રૂપે પણ યુવાપેઢી ડ્રગ્સના રવાડે ચઢી રહી છે. ચરસ અને ગાંજો જેવા ડ્રગ્સ મનાલી અને મણિપુરમાંથી આવે છે. અફીણમાંથી બનતાં બ્રાઉન સુગર, હેરોઈન વગેરે મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાંથી મુુંબઈ થઈ ગુજરાત પહોંચે છે. મેન્યુફેક્ચરર પાસેથી આવા ડ્રગ્સ મુખ્ય સપ્લાયર પાસે જાય છે અને તે જુદા જુદા સેન્ટરમાં નાના ડીલર સુધી માલ પહોંચાડે છે. ડીલરો પોલીસના ડરથી કૉલેજમાં ભણતાં યુવક-યુવતીઓ મારફતે ડ્રગ્સની આપ-લે કરાવે છે. આવા યુવાનો ડ્રગ્સના બંધાણી બની ગયા હોય છે અને એક પેકેટ ફ્રી મળવાની  લાલચમાં આપ-લેનુું કામ કરતાં હોય છે.

નાર્કોટિક્સ વિભાગના એક અધિકારીના કહેવા મુજબ, “કાશ્મીર, પંજાબ, રાજસ્થાન થઈને ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચે છે. તો મધ્યપ્રદેશ થઈને પણ નશીલા પદાર્થોનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. કેટલાક કેફી પદાર્થો પાકિસ્તાનથી દરિયાઈ રસ્તે કચ્છના જખૌ બંદરે અને પોરબંદરના ગોસાબાર ખાતેથી પણ રાજ્યમાં આવે છે અને ત્યાંથી દેશભરમાં માલ સપ્લાય કરવામાં આવે છે. હાલમાં જ નાર્કોટિક્સ વિભાગે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડ્યો હતો. જે રેવ પાર્ટી માટે જ આવતો હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલાં પણ શ્રીલંકન પોલીસના  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અધધ… કહી શકાય તેટલું રૂ.૧ર૦૦ કરોડનું ૮૦૦ કિલો કોકેઈન ભારતીય ટિમ્બર કંપનીના એક શીપમાંથી ઝડપી પાડ્યું હતું. જે ગુજરાતના મુંદ્રા પોર્ટે ઊતરવાનું હતુંં.”

ગુજરાતમાં ર૦૧૪-૧પમાં ૩પ૪ કિલો અને ર૦૧પ-૧૬માં પ૦ કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હતુંં. આ વર્ષે ૭-૮ કેસોમાં મોટી માત્રામાં ડ્રગ્સનો જ્થ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં એક પૂર્વ ધારાસભ્યના પુત્રની પણ ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદમાં ડ્રગ્સ સહિતના કેફી પદાર્થો વટવા, જુહાપુરા, રખિયાલ, દાણીલીમડા જેવા વિસ્તારના હિસ્ટ્રીશીટરો પાસેથી મળી રહે છે.

સંતાનો પર ધ્યાન રાખવું જોઈએ
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઉષા રાડા કહે છે, “ગુજરાતમાં જે રીતે રેવ પાર્ટીનું ચલણ વધ્યું છે, એ જોતાં અમે તપાસ કરી તો ખબર પડી કે આમાં યુવાનો જ વધુ સંકળાયેલા છે. યુવાનો ગુજરાત બહાર અભ્યાસ અર્થે જાય છે ત્યાંથી આવી આદતો  લઈને આવે છે. ૧૪થી ૧૭ વર્ષની ઉંમરના ટીનેજર્સ એક ખાસ પ્રકારના ડ્રગના રવાડે ચડ્યા છે. કેટલાક તો ડ્રગના બંધાણી બની ચૂક્યા છે. યંગ જનરેશન ફિલ્મમાં પાર્ટી નિહાળી તથા સોશિયલ મીડિયાના ક્રેઝથી પણ ડ્રગનું સેવન કરે છે. ડ્રગ માફિયાઓ પણ આવા યુવાનોને સોફ્ટ ટાર્ગેટ બનાવે છે. દેખાદેખીના કારણે નવી પેઢી તેના જીવને જોખમમાં મૂકે છે. તેમની સંગત જ એવી હોય છે કે લત લાગતા વાર નથી લાગતી. પાર્ટી કલ્ચરમાં દારૂની સાથે એકાદ વખત ડ્ર્ગ લેવાથી પણ નશાના રવાડે ચઢી જવાય છે. આ પ્રથા આગળ વધે એ પહેલાં તેને અટકાવવી જોઈએ. ડ્ર્ગ માફિયાઓ પણ આવી તકનો લાભ ઉઠાવે છે. યુવાનો રેવ પાર્ટીના રવાડે ન ચડે એ માટે માતા-પિતાએ ધ્યાન રાખવું જોઈએ. સંતાનો ક્યાં જાય છે? કોની સાથે ફરે છે?  ક્યારે પરત આવશે? એ બધી જાણકારી મેળવવી જોઈએ. જોકે કેટલાંક યુવક-યુવતીઓને આવી પાર્ટીમાં પહોંચ્યા પછી ખબર પડે છે કે તેઓ ખોટી જગ્યાએ આવી ગયાં છે. ડ્ર્ગની લતથી દૂર રહેવા માટે આ પ્રકારની પાર્ટીમાં જવાનું ટાળવું જોઈએ.”

હજુ થોડા સમય પહેલાં જ સાણંદ રોડ પરના એક ફાર્મહાઉસમાં રેવ પાર્ટી માણતાં ર૦ કૉલેજિયન પકડાયા હતા. જેમાંથી ૪ યુવતીઓ હતી. એ પહેલાં મુંબઈ અને પૂણેમાંથી પણ યુવાનો રેવ પાર્ટી કરતાં ઝડપાયા હતા. હજુ થર્ટી ફર્સ્ટનો માહોલ બંધાયો છે તે પૂર્વે જ પોલીસે સેંકડો કિલો નશીલા પદાર્થ પણ જપ્ત કર્યો છે. એક પોલીસ ઓફિસરે નામ ન આપવાની શરતે કહ્યું કે, “આવી પાર્ટીનાં આમંત્રણ મેસેજ દ્વારા આપવામાં આવે છે. કેટલાંક તો ફેસબુક પર પણ પેજ બનાવે છે. રેવ પાર્ટી કરતાં અત્યાર સુધીમાં પકડાયેલા યુવાનોમાંથી ૮૦ ટકાથી વધુ રરથી ૩૦ વર્ષની વયના હોવાનું જણાયું છે.”

રેવ પાર્ટી કરવી એ સામાન્ય માણસનું કામ નથી,  કેમ કે  ર૦-૩૦ મિત્રો સાથે પાર્ટી કરવી હોય તો ઓછામાં ઓછો  રૂ.પ-૭ લાખનો ખર્ચ થતો હોય છે. આ વખતે પણ અમદાવાદથી ૪૦-પ૦ કિલોમીટર દૂર ખાનગી ફાર્મહાઉસમાં રેવ પાર્ટીઓનાં આયોજનો હાથ ધરાયાં છે. હવે જોવાનું એ છે કે પોલીસ તેને કેવી રીતે અટકાવી શકે છે. પોલીસ અને પેરેન્ટ્સની સાથે સરકારે પણ સાવધ થવાની જરૂર છે જેથી આ દૂષણને ગુજરાતમાં ઘૂસતું અટકાવી શકાય. સ્વર્ણિમ કે ગતિશીલ ગુજરાત વર્ષાંતે ‘ઉડતા ગુજરાત’ ન બને તે જોવાની જવાબદારી સમાજ અને સરકાર સાથે આપણા સૌની પણ છે.
નાણાભીડથી કેટલીક પાર્ટીઓ રદ
આ વખતે ન્યૂ યર પાર્ટીને નોટબંધીનું ગ્રહણ લાગ્યું છે, કેમ કે હજુ બજારમાં રોકડની અછત છે. અમદાવાદમાં દર વર્ષે શહેરની મધ્યે, ફાર્મહાઉસ, એસ.જી. હાઈવે ઉપરના પાર્ટી પ્લોટો અને હોટલો મળીને ન્યૂ યર પાર્ટીનાં ૩પ૦થી વધુ આયોજન થાય છે, પરંતુ બજારમાં નાણાભીડના કારણે આ વખતે અડધાંથી પણ વધુ આયોજનો રદ થઈ ગયાં છે. સાહસ ખેડવા કોઈ તૈયાર નથી. અમુક આયોજનો માત્ર સભ્યોને સાચવવા પૂરતાં જ થશે. બજારમાં રોકડની તરલતાના અભાવથી લોકો આ વખતે ઉજવણીના મૂડમાં નથી.

આ અંગે દર વર્ષે ફાર્મહાઉસમાં પાર્ટીનુું આયોજન કરતાં એક આયોજક નામ ન આપવાની શરતે કહે છે, “અત્યાર સુધી નફા-નુકસાનની પરવા કર્યા વગર પાર્ટી કરતા હતા, પરંતુ નોટબંધી બાદ પૈસાની તકલીફને કારણે આયોજન કરવું પરવડે તેમ નથી. કમાઈ લેવાવાળા દરેક આયોજકો આ વખતે પાર્ટી કરવાના મૂડમાં ન હોઈ બજારમાંથી ખસી ગયા છે. જેથી આ વખતે ખાનગી પાર્ટીઓ ઓછી થશે.”

તો પાર્ટીઓમાં મ્યુઝિક પિરસતા ડીજે યશ કહે છે, “નોટબંધીના કારણે  થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ ૭૦ ટકાથી વધુ રદ થઈ ગઈ છે. આ વખતે મોટાભાગનાં ખાનગી ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટમાં રોકડાના અભાવે પાર્ટી થવાની નથી. શહેરની હોટલોમાં ન્યૂ યરનું સ્વાગત કરવા ઉજવણી થશે. જે લોકો પાસે વ્હાઈટ પૈસા છે તેવા કોર્પોરેટ લોકો જ આયોજન કરવાના મૂડમાં છે પણ હાલ તો બધા ચૂપ છે. મોટાભાગના ડી.જે. અને મ્યુઝિકલ પાર્ટીનાં બુકિંગ પણ રદ થઈ ગયાં છે તથા નવાં બુકિંગ માટે કોઈ પૂછપરછ પણ નથી.”

પ્રતિબંધ પછી હુક્કા પાર્ટીનું ચલણ વધ્યું
રાજ્યમાં મોટાપાયે ખુલ્લેઆમ ચાલતા હુક્કાબાર ઉપર રાજ્ય સરકારે  પ્રતિબંધ મૂકતા ખાનગીમાં હુક્કા પાર્ટીઓનું ચલણ વધ્યું છે. જે વ્યક્તિ હુક્કાબાર ચલાવતા પકડાશે તેને એક વર્ષથી ત્રણ વર્ષ સુધીની જેલ અને રૂ.ર૦થી પ૦ હજાર સુધીનો દંડ ફટકારવાનો વટહુકમ કર્યો છે. જેના પગલે અમદાવાદમાં ૭૮ અને રાજ્યમાં ર૦૦થી વધુ હુક્કાબારને કાયમી તાળાં લાગી ગયાં છે. અત્યાર સુધી હુક્કાબાર સંદર્ભે કાયદામાં કોઈ નિયમો કે રેગ્યુલેશન જ ન હતાં. હુક્કાબાર ઉપર પ્રતિબંધ મુકાયો છે પણ કોપ્ટા એક્ટમાં વ્યક્તિગત રીતે ઘર કે પાર્ટીપ્લૉટમાં હુક્કો પીવા સામે કોઈ એક્શનની સ્પષ્ટતા નથી. હુક્કો, ફલેવર અને મટીરિયલના વેચાણની છૂટ છે. જે કારણે હુક્કાના બંધાણીઓએ હવે ફલેટમાં પાર્કિંગમાં હુક્કા ભાડે લાવીને પીવાનું ચાલુ કરી દીધું છે. શહેરની કેટલીક દુકાનોમાં પેન સ્ટાઈલના હુક્કા એક હજારથી પાંચ હજાર રૂપિયામાં મળે છે તો વિદેશથી હુક્કાની ફલેવર આવેે છે.

હુક્કાના બંધાણી થયા બાદ ડ્રગ્સના રવાડે ચડતા વાર નથી લાગતી. યુવાનો એક કલાકમાં હુક્કાની સામાન્ય સિગારેટ કરતાં ૧૦૦થી ર૦૦ ગણો વધારે ઝેરી ધુમાડો પોતાના શરીરમાં ઉતારે છે. હુક્કાના એક કસમાં ર૦૦ પફ જ્યારે સિગારેટના ર૦ પફ વોલ્યૂમ હોય છે. જે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. હુક્કામાં નખાતી તમાકુને ગરમ કરવા કોલસો વપરાય છે. તેના ધુમાડામાં કાર્બન મોનોક્સાઈડ મેટલ અને કેન્સર પેદા કરતાં અત્યંત ઝેરી કેમિકલ્સ હોય છે. સામાન્ય રીતે હુક્કાના એક કલાકના સેશનમાં ૯૦ હજાર  મિલીલિટર ધુમાડો બને છે. જ્યારે સિગારેટમાં તેનું પ્રમાણ પ૦૦-૬૦૦ મિલીલિટર હોય છે.

ડ્રગ માફિયાઓની કોડવર્ડ ભાષા
કોકેઈન-દીવાની :     દીવાનીના કોડવર્ડથી વેચાઈ રહેલો આ કેફી પદાર્થ નશાખોરોમાં ખૂબ લોકપ્રિય છે. જોકે તે બહુ મોંઘો હોવાથી લોકો લેવાનું ટાળે છે.

મેફેડ્રોન-મસ્તાની:  મહારાષ્ટ્ર અને ગોવામાં મસ્તાનીના નામે ઓળખાતું આ ડ્રગ આ વર્ષે પણ સૌથી વધુ ડિમાન્ડમાં છે. આ ડ્રગ લીધા પછી માણસમાં નવી ઊર્જા આવી જાય છે.

હેરોઈન-દીપિકા:  આ ડ્રગ જોખમકાર ડ્રગમાં ઉપરના ક્રમે આવે છે.

એકસ્ટસી-દિલવાલેં:  નશાના બજારમાં દિલવાલેંનો અર્થ એકસ્ટસી છે. તેના સેવન પછી માણસ કાલ્પનિક દુનિયામાં ખોવાઈ જાય છે.

કેટમાઈન-પ્રિયંકા: આ કેફી પદાર્થનો ઉપયોગ યુવતીઓના ડ્રિન્કમાં ભેળવીને તેનો ગેરલાભ લેવા માટે થાય છે.

એલએસડી-બાજીરાવ : એસિડ ડાઈ એથિલેમાઈડ નામના આ પદાર્થની ૧૦-૧ર કલાક સુધી અસર રહે છે.

ચરસ-શાહરુખ-મન્નતઃ     આ પદાર્થ સરળતાથી મળે છે. જેનું સેવન નશાખોરો પાર્ટીઓ સિવાય સામાન્ય દિવસોમાં પણ કરતા હોય છે.
http://sambhaavnews.com/

You might also like