દેવું વધી જતાં નિવૃત્ત શિક્ષકે માતાજીની ચૂંદડીથી ફાંસો ખાધો

અમદાવાદ: શહેરના કઠવાડા-સિંગરવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા એક નિવૃત્ત શિક્ષકે ગઈ કાલે બપોરના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસને મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે કૈલાસ નામની વ્યક્તિને પૈસા આપવાના હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દેવું વધી જતાં તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે. નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કઠવાડા-સિંગરવા રોડ પર આવેલી શ્યામવિલા સોસાયટીમાં કમલાકાંત શુકલા (ઉં.વ. ૬૦) પોતાના પરિવાર સાથે રહેતા હતા. કમલાકાંત પોતે અગાઉ શિક્ષક હતા અને હાલ પોતે નિવૃત્ત જીવન ગુજારતા હતા. ગઈ કાલે બપોરના સમયે પોતાના રૂમમાં માતાજીની ચુંદડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

સાંજના સમયે કમલાકાંતના રૂમનો દરવાજો ખખડાવતાં ન ખૂલતાં પરિવારજનોએ દરવાજો તોડી જોતાં કમલાકાંતે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અંગે નિકોલ પોલીસને જાણ કરાતાં નિકોલ પોલીસે મૃતકના ખિસ્સાની તપાસ કરતાં પોલીસને એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં તેમણે કૈલાસ નામની વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હતો. કૈલાસ નામની વ્યક્તિને પૈસા આપવાના છે અને દેવું વધુ ગયું છે, જેના કારણે તેઓએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નિકોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી. સી. સતરાલિયાએ જણાવ્યું હતું કે પી.એમ. રિપોર્ટ અને ‌િચઠ્ઠીમાં લખેલી વ્યક્તિના નામ અંગે તપાસ બાદ ખ્યાલ આવશે કે દેવું વધી જતાં આત્મહત્યા કરી છે કે વ્યાજે પૈસા લીધા હોઈ તેઓએ દબાણમાં આવી આત્મહત્યા કરી છે.

You might also like