નવરાત્રિમાં કરેલા નાસ્તાની ચર્ચામાં વાત વણસતાં યુવાનની હત્યા થઈ

અમદાવાદ : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે સાંજે યુવકોનાં બે જૂથ હથિયારો સાથે આમનેસામને આવી જતાં મામલો બીચકયો હતો. આ જૂથ અથડામણમાં છાતીમાં છરીના ઘા વાગતાં એક યુવકનું મોત થયું હતું જયારે ત્રણ યુવકોને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓઢવ પોલીસે ત્રણ યુવકો વિરુદ્ઘમાં હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરીછે.

આ બનાવની વિગત એવી છે કે રાધેશ્યામ ઉર્ફે જામુન મૃદ્રિકાસિંહ ક્ષત્રિય (રહે. છગન વાઘજીની ચાલી, ઓઢવ) તેના મિત્રો રવિ જયસ્વાલ, પવન મિશ્રા, અરુણ શાહ અને અજય સોની સાથે ગીતાગૌરી સિનેમા પાછળ કુંદનનગર પાસે ઊભા હતા ત્યારે કુંદનનગરમાં રહેતા ઉદય કુશ્વાહ, દિલીપ વણજારા અને દીપક બંગાળી આવ્યા હતા.

ગત નવરાત્રીમાં બધાંએ સાથે નાસ્તો કર્યો હતો તેની વાત નીકળી હતી, તેમાં ઉગ્ર બોલાચાલી થતાં રાધેશ્યામે દિલીપ વણજારાને લાફો માર્યો હતો. આ ઘટના પછી ઉદય કુશ્વાહ, દિલીપ વણજારા અને દીપક બંગાળી જતા રહ્યા હતા અને બેઝબોલના બેટ અને છરી લઈને આવ્યા અને ફરિયાદી તથા તેમના મિત્રો ઉપર હુમલો શરૃ કરી દીધો હતો. બંને પક્ષે એકબીજા ઉપર હુમલો કર્યો હતો.

જેમાં અજય સોનીને છાતીના ભાગે છરી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. રાધેશ્યામ, અરુણ શાહ, પવન મિશ્રા તથા રવિ જયસ્વાલને ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓઢવ પોલીસે રાધેશ્યામની ફરિયાદ લઈને ઉદય, દિલીપ અને દીપક વિરુદ્ઘમાં હત્યાનો ગુનો દાખલ કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

You might also like