પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા કેતન પટેલનું ફરી પીએમ કરાયું

અમદાવાદ: બલોલના પાટીદાર યુવકના પોલીસ કસ્ટડીમાં થયેલા શંકાસ્પદ મોતના વિરોધના પગલે પાસ અને કોંગ્રેસ દ્વારા અપાયેલા ઉત્તર ગુજરાત બંધને લોકોએ જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. મૃતક કેતન પટેલના ફરી પોસ્ટ મોર્ટમની માગને ગઈકાલે સરકારે ગ્રાહ્ય રાખતાં મામલો હાલ પૂરતો થોડો શાંત થયો છે. મહેસાણા એસ.પી. અને એડિશનલ કલેક્ટરે કેતન પટેલના પિતા મહેન્દ્ર પટેલને કેતનનો મૃતદેહ સ્વીકારવા વિનંતી કરી હતી પરંતુ મૃતકના પિતા ફરી પોસ્ટ મોર્ટમની માગ અને કેસની તપાસ સીટની ટીમને આપવાની માગના પગલે આજે મૃતક કેતન પટેલનું ફરી પોસ્ટ મોર્ટમ એલજી અને બીજે મેડીકલના ડીન દ્વારા અાજે બપોરે એક વાગ્યાથી કરાશે.

આજે ફરી પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આરોપીઓની ધરપકડ કરે અને સસ્પેન્ડ કરવા સહિતની કામગીરી કરે ત્યાર પછી મૃતકના અગ્નિ સંસ્કાર થશે તેવું તેમના પિતા મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું. ગઈ કાલે સાંજે એસપી. ચૈતન્ય માંડલિકે પાટીદારોની ફરી પીએમની માગ સ્વીકારી હતી અને ફરિયાદ બાદ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી અને બે પીઆઈની બનેલી ‘સીટ’ દ્વારા તાત્કાલિક તપાસ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેવી ખાતરી આપી હતી.
છેલ્લા બે દિવસથી પાટીદાર યુવાનને ન્યાય અપાવવા મહેસાણા સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર પાટીદારોએ ધામા નાખ્યા હતા. ગઈ કાલે અપાયેલા ઉત્તર ગુજરાત બંધનાં સમર્થનમાં પાસના અગ્રણીઓ અને કોંગ્રેસના ધારાસભ્યોની અવરજવર રહી હતી. મૃતકના સગાંનાં ટોળે ટોળાં અને સ્થાનિક આગેવાનો સવારથી જ સિવિલમાં એકઠાં થયાં છે.

મૃતકના પિતાએ રી પોસ્ટ મોર્ટમની માગ કરી છે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે પહેલા પોસ્ટ મોર્ટમમાં શરીર પરની બાહ્ય ઈજા અને આંતરિક ઈજાઓ જુદી દર્શાવી નથી. જે હવે રી પોસ્ટ મોર્ટમમાં જુદી દર્શાવી છે. મૃત્યુનું કારણ હાલના તબક્કે રોકીને ન્યાયિક તપાસમાં ખલેલ પહોંચાડવાનું કૃત્ય હોઈ શકે છે. કેતનનું મૃત્યુ ઝેરથી ન થયું હોઈને રિપોર્ટ બાકી રાખવાનું કોઈ કારણ નથી, મરનારની હાથની હથેળી અને બંને પગનાં તળિયાં અને બંને હાથના નખ પરની ઈજાઓ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં દર્શાવી નથી. આ તમામ બાબતો આજે થનારા રી પોસ્ટ મોર્ટમમાં સમાવી લેવાશે.

સરકારે ખાસ કેસમાં એડિશનલ ડીજી જે.કે. ભટ્ટને નિયુક્ત કર્યા છે. ક્રિમિનલ પ્રોસિજર કોડના કાયદા મુજબ કેતનનું મૃત્યું જ્યુડિશયલ કસ્ટડીમાં થયું હોઈને કલમ ૧૭૬ મુજબ સેસન્શ જજને રિપોર્ટ કરવો પડે, જેથી હવે ચીફ જ્યુડિશિયલ જજને સહિત સીટ આ કેસની તપાસ કરશે.

સરકારે એફઆઈઆરમાં ૩૦૨ની કલમ સાથે પોલીસકર્મીની ધરપકડની ખાતરી પણ મૃતકના પરિવારને આપી છે. પૂર્વ ધારાસભ્ય પી.વી. પટેલે આજથી આ મુદ્દે ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે જિલ્લા એસપી ત્રણ વાર મૃતકના પરિવાર પાસે ગયા હતા. તેમની માગણી મુજબ એફઆઈઆર આપવા વિનંતી કરી છે પણ હજુ સુધી મૃતકના પરિવારજનોએ સહકાર આપવા તૈયારી બતાવી નથી. આજે પણ મહેસાણામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.
http://sambhaavnews.com/

You might also like