વ્હાલા વિદ્યાર્થીઓ… લિખિતંગ… વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'એક્ઝામ વૉરિયર્સ' પુસ્તક લખવાની પ્રેરણા પરીક્ષા સંબંધે ફેબ્રુઆરી ૨૦૧૫માં વિદ્યાર્થીઓ સાથે કરેલી 'મનની વાત'માંથી મળી હતી.

આજકાલ ‘એક્ઝામ વૉરિયર્સ’ ચર્ચામાં છે. શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિખિત ‘એક્ઝામ વૉરિયર્સ’ પુસ્તક પ્રગટ થયું છે. એક વડાપ્રધાન બાળ પરીક્ષાર્થીઓના તણાવની ચિંતા કરે અને તેને ઠીક કરવા સારું પુસ્તક લખે એવું સમગ્ર વિશ્વમાં જવલ્લે જ બને છે. આવો વડાપ્રધાનની શીખને સમજીએ…..

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘એક્ઝામ વૉરિયર્સ’ પુસ્તક લખવાની પ્રેરણા પરીક્ષા સંબંધે ફેબ્રુઆરી ૨૦૧૫માં વિદ્યાર્થીઓ સાથે કરેલી ‘મનની વાત’માંથી મળી હતી. એ પછી લોકોએ સ્અય્ર્દૃ પર ઘણા સૂચનો અને અનુભવો મોકલ્યાં ત્યારે વડાપ્રધાનને પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓના મનમાં કેવી ઊથલપાથલ ચાલે છે તેને નજીકથી સમજવાનો અવસર મળ્યો. એક વાલીએ તો પત્રમાં લખ્યું કે મારું એક સંતાન ૧૨મા ધોરણમાં અને બીજું ૧૦મા ધોરણમાં ભણે છે. બંને ઘણા ગભરાયેલા હતા. અમારી વાતોથી નહોતી થઈ એટલી સારી અસર ‘મન કી બાત’થી થઈ છે. ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ વડાપ્રધાને પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ સાથે મનની વાત કરવાનું આયોજન કર્યું હતું. વડાપ્રધાનની ત્રણ ‘મન કી બાત’ના પરિપાક રૂપે આ પુસ્તક બન્યું છે.

પરીક્ષાને તમામ પ્રકારે સાંગોપાંગ પાર કરી જનારાને લેખક વૉરિયર અર્થાત્ કે યોદ્ધાથી નવાજે છે. ખરું છે, કેમ કે ભારે સ્પર્ધાના વર્તમાન યુગમાં વિદ્યાર્થી અને વાલી સૌ કોઈ પરીક્ષામાં ઊંચી ટકાવારી લાવવા રાતદિવસ એક કરી રહ્યા છે, એકબીજા સામે યુદ્ધે ચડ્યા છે. એવામાં લેખક નરેન્દ્ર મોદીએ ૨૫ મંત્રો અને દરેક મંત્રોના એક પ્રકરણના સંપુટ તરીકે ‘એક્ઝામ વૉરિયર્સ’ લખ્યું છે. વિદ્યાર્થીઓ માટે અતિ આવશ્યક આ મંત્રો છે, પરીક્ષા એક ઉત્સવ છે- તેને ઉમંગ અને ઉલ્લાસથી ઊજવો, પરીક્ષા તમારી અત્યારની તૈયારીઓની છે આખા જીવનની નહીં, હસતાં જાઓ અને હસતાં આવો, વૉરિયર બનો, વરિયર નહીં(યોદ્ધા બનો, ચિંતાગ્રસ્ત નહીં), જ્ઞાન સ્થાઈ છે એને જ લક્ષ્ય બનાવો, પ્રતિસ્પર્ધા નહીં અનુસ્પર્ધા, તમારા સમયનો સદુપયોગ કરો, વર્તમાન ઈશ્વરની શ્રેષ્ઠ પ્રસાદી છે – વર્તમાન ક્ષણોમાં જ જીવો, ટૅક્નોલોજીથી શિક્ષણ રોચક અને સરળ- તેને અજમાવો, કરવું હોય સારું કામ તો કરો પૂરતો આરામ, સારી ઊંઘ સફળતાનો મંત્ર, જે ખેલે તે ખીલે, સ્વને ઓળખો- પોતાની ક્ષમતા પર ગર્વ કરો, અભ્યાસથી આત્મવિશ્વાસ વધશે, વાતો નાની અસર મોટી- પરીક્ષાના અનુશાસનનું પાલન કરો, પરીક્ષામાં તમારી શૈલી અને પદ્ધતિઓ અપનાવો, રજૂઆત મહત્ત્વની છે- પારંગત બનો, અકલને હા નકલને ના, જવાબવહી આગળ જાય છે તમે પણ આગળ વધો, જીવનને જાણો સ્વયંને ઓળખો, અતુલ્ય ભારત- ભ્રમણ કરો અને ઓળખો, એક યાત્રા પૂરી બીજી શરૂ, કંઈક બનવાના નહીં કંઈક કરવાનાં સપનાં જુઓ, તે છે… એટલે તમે છો- કૃતજ્ઞ રહો અને છેલ્લો મંત્ર છે, યોગ તંદુરસ્ત શરીર અને તેજ મગજની ચાવી છે તેને અપનાવો. પુસ્તકના અંતે લેખકે બે પત્રો લખ્યા છે, એક શિક્ષકોને અને બીજો વિદ્યાર્થીઓનાં માતાપિતાને.

વડાપ્રધાન લખે છે કે તણાવ રહિત પરીક્ષા અને આંકડાઓથી વધુ જ્ઞાનને મહત્ત્વ અપાય, આ વિષય પર દેશમાં ચર્ચા થાય, નવાં સમાધાન મળે, એ જ આ પુસ્તકનો ઉદ્દેશ છે. આપણા બાળકોનું બાળપણ હસતું-રમતું અને તણાવ રહિત બને અને તેમનું બાળપણ સતત ભવિષ્યની ચિંતા હેઠળ દબાયેલું ન રહે તે જ લેખકની ચિંતા છે. પુસ્તકમાં વડાપ્રધાને ૨૫ મંત્રો આપ્યા છે અને કેટલાક પાના કોરા મૂકવામાં આવ્યા છે, તેમાં વિદ્યાર્થીઓ જાતે પોતાના મંત્રો લખીને સહાધ્યાયીઓ સાથે ચર્ચા કરી શકે છે. આ પુસ્તકમાં વિદ્યાર્થીઓ માટે ઉપયોગી આસન અને પ્રાણાયામને પણ સમાવવામાં આવ્યા છે. વડાપ્રધાન શીખ આપે છે કે વિદ્યાર્થીઓએ યોગને પોતાના જીવનમાં વણી લેવું જોઈએ. કેમ કે નિયમિત યોગાભ્યાસથી તણાવ દૂર થતાં સ્વસ્થ રહેવાની સાથે એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. આપણા જીવનમાં છુપાયેલી અનંત સંભાવનાઓ શોધવા માટે આ પુસ્તકમાં અનેક પાસાંઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

આ પુસ્તક મોબાઇલ એપ નરેન્દ્ર મોદી.ઇન પર મૂકવામાં આવ્યું છે અને એપમાં એક્ઝામ વૉરિયર્સ કોમ્યુનિટી બનાવવામાં આવી છે. પુસ્તકમાં દરેક મંત્ર અર્થાત્ કે દરેક પ્રકરણને અંતે નાની-નાની મનોરંજક અને રચનાત્મક એક્ટિવિટીઝ કે ગતિવિધિ આપવામાં આવી છે અને તે પૈકી મોટા ભાગની એક્ઝામ વૉરિયર્સ કોમ્યુનિટી પર શેઅર કરી શકાય છે.

પરીક્ષાની ઉત્સવની જેમ ઉજવણી કરવામાં લેખક તર્ક આપે છે કે જેમ આપણે મનમાં ઉમંગ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે પર્વ અને તહેવારોની તૈયારીઓ કરીએ છીએ તેમ પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. તહેવારોમાં વ્યક્તિ અને સમાજની સારપનાં દર્શન થાય છે. તેમ પરીક્ષાઓ પણ એટલા માટે હોય છે કે આપણી અંદરનું શ્રેષ્ઠ તત્ત્વ બહાર આવે, આપણને આપણી ક્ષમતાઓનો અહેસાસ થાય.

પરીક્ષાને જીવન-મરણનો પ્રશ્ન ન બનાવવાની સલાહ આપતા લેખક ઉદાહરણ આપે છે કે સ્વ. ડૉ.અબ્દુલ કલામને ફાઇટર પાઇલટ બનવું હતું, પરંતુ તેઓ પોતાનું એ સપનું પૂરું ન કરી શક્યા. તેમણે એ નિષ્ફળતા સામે હાર માની લીધી હોત તો શું તેઓ આટલા મહાન વૈજ્ઞાનિક બની શક્યા હોત? અને ડૉ.કલામ ન હોત તો ભારતીય પરમાણુ કાર્યક્રમની દિશા શું હોત તે જરા વિચારો. શીખ લો કે એક પરીક્ષા આખા જીવનની કથા ન લખી શકે. જીવન અનંત સંભાવનાઓથી ભરેલું છે.

સ્મિતને વડાપ્રધાને બહુ કિંમતી ગણ્યું છે. તેઓ લખે છે કે જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપોઆપ સહજ અને તણાવમુક્ત થઈ જઈએ છીએ, મન શાંત થઈ જાય છે. આપણે રિલેક્સ રહીએ તો જે વાંચેલું મગજમાં સ્ટોર થઈ જાય છે તેને ફરી યાદ કરવું સરળ બની જાય છે. ઘણી વખત જલ્દી જલ્દી ઉત્તર યાદ કરવાની લ્હાયમાં પરીક્ષામાં છેક સુધી ઉત્તર યાદ નથી આવતો અને જેવી જવાબવહી પરીક્ષકને સોંપીને પરીક્ષાખંડમાંથી બહાર નીકળીએ કે તરત ઉત્તર યાદ આવે છે. આમ તણાવમાં વ્યક્તિ ઉત્તમ પ્રદર્શન કરી શકતો નથી. તણાવ આપણી તૈયારીઓ અને આપણા જ્ઞાન પર હાવી થઈ જાય છે.

ચિંતાને છોડવાની શીખ આપતા વડાપ્રધાને પોતાનો એક અનુભવ વર્ણવ્યો છે, હું ૨૦૧૭માં બ્લાઇન્ડ ટી-૨૦ વર્લ્ડ કપની વિજેતા ટીમને મળ્યો હતો. ત્યારે ટીમનો દરેક ખેલાડી પ્રેરણાસ્ત્રોત સમાન હતો. એ ખેલાડીઓએ જીવનમાં અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ અને વિઘ્નોનો સામનો કર્યો હતો. એટલે જ જીવન અને ખેલના મેદાન બંનેમાં તેઓ વિજેતા બન્યા.

જ્ઞાન સ્થાઈ છે અને જ્ઞાનનું જ આરાધન કરવાની સલાહ આપતા લેખક લખે છે કે જ્ઞાન પ્રાપ્તિની યાત્રા સ્વયં એક પુરસ્કાર છે. જો પરીક્ષામાં વધુ માર્ક લાવવાનું જ એકમાત્ર લક્ષ્ય હશે તો તેનાથી વધારે તણાવ પેદા થશે અને પરિણામે આપણું શીખવાનું મર્યાદિત થઈ જશે. અડધું-પડધું જ્ઞાન ઓછા માર્ક કરતાં વધુ ખતરનાક છે. તમે જ્ઞાન મેળવવા માટે જ શિક્ષણ મેળવશો તો કોઈ પ્રશ્ન અઘરો નહીં લાગે અને ટકાવારી તમારી પાછળ આવશે જ. ત્રણ મહાપુરુષોનાં ઉદાહરણો જોઈએ. ડૉ. બાબાસાહેબ આંબેડકરે જીવનની અનેક વિટંબણાઓ વચ્ચે પણ જ્ઞાનનું આરાધન ચાલુ રાખ્યું. કહેવાય છે કે એમની અંગત લાઇબ્રેરીમાં ૫૦થી વધારે પુસ્તકો હતાં. એ ડૉ. આંબેડકર આપણા સંવિધાનના ઘડવૈયા અને સ્વતંત્ર ભારતના પહેલા કાયદાપ્રધાન બન્યા હતા. શ્રીનિવાસ રામાનુજન બાળપણથી જ ગણિતના અઘરા કોયડાઓ ઉકેલવામાં મચ્યા રહેતા. પરિણામ સ્વરૂપ ૩૧ વર્ષની ઉંમરે ૧૯૧૮માં સૌથી નાની વયે ધ રોયલ સોસાયટીના સભ્ય બન્યા હતા. ત્રીજા જ્ઞાનના આરાધક નેતાજી સુભાષચંદ્ર બોઝે લંડનમાં બહુ અઘરી ગણાતી ભારતીય સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી, પરંતુ નોકરીને ઠોકર મારીને ભારત આવી ગયા અને પછી તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગાનો નારો આપ્યો.

જ્ઞાન, કૌશલ્ય અને ક્ષમતાઓને વિસ્તારવા માટે પ્રતિસ્પર્ધા નહીં, પરંતુ અનુસ્પર્ધા અર્થાત્ કે બીજા સાથે નહીં, પરંતુ પોતાની જાત સાથે જ સ્પર્ધા કરવાની શીખ આપતા વડાપ્રધાન વિખ્યાત એથ્લિટનું ઉદાહરણ આપે છે. તેઓ લખે છે, એથ્લિટ સર્ગેઇ બુબકાએ પોલ વૉલ્ટ(વાંસ-કૂદ)માં પોતે જ સ્થાપેલા વર્લ્ડ રેકોર્ડ એક કે બે વાર નહીં, પરંતુ ૩૫ વાર તોડ્યો હતો.

આપણે જે કંઈ પણ કરવાનું છે તે વર્તમાનમાં કરવાનું છે એટલે વર્તમાનને ઈશ્વરની સર્વોત્તમ ભેટ ગણાવતા વડાપ્રધાન લખે છે કે મને મારી પાર્ટીમાં જ્યારે સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે વર્તમાનમાં રહેવું કેટલું જરૂરી છે તે બખૂબી સમજાયું હતું. એક તરફ કામકાજનું મોટું ફલક તો બીજી તરફ અલગ-અલગ પ્રદેશના અનેક લોકો સાથે હળવા-મળવાનું થતું. એવામાં વર્તમાનમાં જ્યાં છીએ ત્યાં જ ધ્યાન કેન્દ્રિત કરવાથી જ હું બંને સાથે ન્યાય કરી શક્યો. વર્તમાનમાં જીવવાની આદતના કારણે મન હંમેશાં શાંત રહે છે. જ્યારે પણ મન અશાંત કે તણાવમાં હોય તો ઊંડા-લાંબા શ્વાસ લેવા. આવી રહેલા વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. આમ કરતા સજગતા પાછી વર્તમાનમાં આવી જશે.

શિક્ષણમાં ટૅક્નોલોજીના ઉપયોગની હિમાયત કરતા વડાપ્રધાન લખે છે કે હું ટૅક્નોલોજીને એક સકારાત્મક શક્તિના રૂપમાં જોઉ છું. અંગત વાત કરું તો ટૅક્નોલોજીના ઉપયોગથી મને ઘણો લાભ થયો છે. હું ટૅક્નોલોજીનો ઉપયોગ માત્ર શાસનમાં જ નહીં, પરંતુ દેશવાસીઓ સાથે નિયમિત સંવાદ માટે પણ કરું છું. જોકે આ હિમાયત સાથે શીખ આપી છે કે ટૅક્નોલોજીના ઉપયોગમાં સંતુલન બહુ જરૂરી છે. ટૅક્નોલોજીનું આકર્ષણ તો ઠીક છે, પરંતુ તેની લત લાગી જાય તો તે નુકસાનકારક છે. એટલે ટૅક્નોલોજીનો ઉપયોગ સંયમ અને સમજદારીપૂર્વક કરવો. પ્લે ગ્રાઉન્ડ પર પ્લે સ્ટેશન હાવી ન થઈ જાય.

સારા કામ માટે પૂરતા આરામની સલાહ આપતા વડાપ્રધાન લખે છે કે કામને વિષય પર ફોકસ કરવા જેટલું જ મહત્ત્વનું છે ડી-ફોકસ કરવું. અભ્યાસ દરમિયાન વચ્ચે અલ્પ-વિરામ લો. અલ્પ વિરામ તાજગી અને ઊર્જા લઈને આવે છે અને એકાગ્રતાની ક્ષમતાને પણ વધારે છે. અલ્પ-વિરામમાં સંગીત સાંભળો, કોઈ પુસ્તક વાંચો, ઊંડા શ્વાસોશ્વાસનો અભ્યાસ કરો, શરીરની માંસપેશીઓને શિથિલ કરો, શવાસન કરો, બહારની હવામાં ચાલવા નીકળો અથવા તો પરિવાર સાથે થોડો સમય ગાળો. શાસ્ત્રો પ્રમાણે આપણંુ શરીર પંચ મહાભૂતો એટલે કે પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિ તત્ત્વોનું બનેલું છે. જ્યારે આપણે આમાંથી કોઈ એક તત્ત્વની સાથે જોડાઈએ છીએ તો તાજામાજા થઈ જઈએ છીએ. ગરમીમાં સ્નાન, ઠંડીમાં તડકાનો સ્પર્શ કે શીતળ હવામાં ટહેલવું, આ બધું આપણામાં તાજગી ભરી દે છે.

સારી ઊંઘને સફળતાનો મંત્ર ગણાવતા વડાપ્રધાન લખે છે કે, મારી ઊંઘ ૪થી ૬ કલાકની જ છે, પરંતુ જેટલા કલાક હું ઊંઘંુ છું, ઘસઘસાટ ઊંઘંુ છું. એટલે બીજા દિવસે તાજગી મહેસૂસ કરું છું. હું આરામ કરવા માટે પથારીમાં લંબાવું છું કે તરત ઘસઘસાટ ઊંઘ આવી જાય છે અને સવારે આંખ ખૂલે તો આળસ કર્યા વગર તરત પથારીમાં ઊભો થઈ જાઉ છું. આમ એટલા માટે થાય છે કે હું પથારીમાં ચિંતાઓ સાથે લઈને જતો નથી. આપણે થાકેલા હોઈએ ત્યારે વિચારવાની ક્ષમતાઓ ઘટી જાય છે.

ખેલે તે ખીલે સૂત્ર આપતા વડાપ્રધાન લખે છે કે રમતની સૌથી મોટી વિશેષતા એ છે કે રમનાર બધું જ ભૂલીને સમગ્રપણે રમતમાં ડૂબી જાય છે. રમતથી મન અને શરીરનો તાલમેલ સુધરે છે. એકાગ્રતા વધે છે. શારીરિક ક્ષમતા વધે છે. આપણે વધુ ઓક્સિજન લઈએ છીએ. લોહીનું પ્રવાહ સુધરે છે. માંસપેશીઓ શિથિલ થાય છે. સેવાને પોતાની અંદર છુપાયેલી ક્ષમતાઓને જાણવાનો રસ્તો ગણાવતા વડાપ્રધાન લખે છે કે આપણે નિસ્વાર્થ ભાવે બીજાની સેવા કરીએ તો સ્વયંની ક્ષમતાઓનો પણ અનુભવ થાય છે અને અભૂતપૂર્વ સાહસ જન્મે છે.

રિવિઝનથી આત્મવિશ્વાસ વધે છે, સૂત્રના સમર્થનમાં વડાપ્રધાન લખે છે કે તમે સાંભળ્યું હશે કે મેચ પૂરી થયા પછી ઘણી વાર ખેલાડીઓ રમતના મહત્ત્વના અંશોના વીડિયો જુએ છે. દરમિયાન તેઓ માત્ર પોતાનું જ નહીં, પરંતુ વિરોધી ટીમના ખેલાડીઓના પ્રદર્શનને પણ બારીક નજરે જુએ છે. તેનાથી તેમને પોતાની રમત સુધારવામાં મદદ મળે છે. પરીક્ષાને લગતી નાની-નાની વાતોનું પણ પાલન કરવાની સલાહ આપે છે. એમ પણ સલાહ આપે છે કે પરીક્ષામાં પહેલા અઘરા પ્રશ્નોના જવાબો લખવા કે સહેલા પ્રશ્નોના જવાબો લખવા તેનો નિર્ણય તમે તમારી શૈલી પ્રમાણે કરો. એ પણ યાદ રહે કે રજૂઆતની શૈલી પ્રભાવક હોવી જોઈએ.

અત્યારે ઠેર-ઠેર નીરવ મોદી ફરે છે તે જોતા એમ જ થાય છે કે એક સમયે દુનિયાને માર્ગદર્શન આપતો આ દેશ આજે ચોરોનો દેશ બની ગયો છે. ત્યારે વડાપ્રધાને યોગ્ય રીતે જ નકલ નહીં કરવાની સલાહ આપી છે. તેઓ લખે છે કે નકલ અને ચોરી કરીને તમે પોતાની જાતની સાથે-સાથે પોતાનાં માતા-પિતા અને સમાજને પણ છેતરો છો.

છેલ્લા સૂત્રોનો ટૂંકસાર એવો છે કે જો તમે પરીક્ષામાં સાચા જવાબો લખ્યા હોય તો તેના વિશે વિચારવાની જરૂર નથી અને સાચા જવાબો ન લખ્યા હોય તો તેની ચિંતા કરવાથી કંઈ વળવાનું નથી. માટે ડહાપણ એમાં છે કે પરીક્ષા અપાઈ ગઈ તેનું વિશ્લેષણ કરવાને બદલે આવનારી પરીક્ષાઓની તૈયારીમાં લાગી જાવ. જીવનને જાણો, સ્વયંને ઓળખો. ચિતપરિચિત સુવિધાજનક વાતાવરણમાંથી બહાર નીકળો. સમાજસેવા કરતા લોકો સાથે જોડાવ. એનાથી તમારામાં સેવા અને કરુણાની ભાવના જાગશે. અતુલ્ય સૌંદર્ય અને વિવિધતાઓથી ભરેલો છે આપણો દેશ. ઊંચા પહાડો, હરિયાળાં જંગલો, સુંદર નદીઓ, ઐતિહાસિક સ્મારકો અને કિલ્લાઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાનાં જીવંત પ્રતીકો છે. એ બધામાં એવી કથાઓ છુપાયેલી છે જે તમને કોઈ પુસ્તકમાં નહીં મળે. અલગ-અલગ રાજ્યોમાં પરિભ્રમણ કરો. એકબીજાને સમજો.

કર્મયોગી પોતાનું ભાગ્ય સ્વયં લખે છે અને અવસર તેમનાં ચરણોમાં આળોટે છે. બીજા જેવા બનવાને બદલે પોતાનો રસ્તો જાતે બનાવો. વડાપ્રધાન એક પોતાનું સૂત્ર શેઅર કરતા લખે છે કે જીવનભર હું એક સરળ મંત્ર સાથે જીવ્યો છું- કંઈક બનવા માટે નહીં, કંઈક કરવાના સપના જુઓ. એટલે ‘બનવાના બોજ’ને બદલે ‘કરવાના સંતોષ’ સાથે જીવનને નવી ઊંચાઈએ લઈ જઈએ. રોજ તમને ભણાવતા શિક્ષકો, સ્કૂલે લઈ જતા ડ્રાઇવર, શાળાને સાફ રાખતા સફાઈ કર્મી, માત્ર તમારો જ સ્વાર્થ ન જોતાં બીજાઓ વિશે પણ વિચારો. એમ કરતા તમે નમ્ર બનશો. યોગ વિશ્વને ભારતનો ઉપહાર છે. છેલ્લા સૂત્રમાં વડાપ્રધાન યોગને તંદુરસ્ત શરીર અને તેજ દિમાગની ચાવી ગણાવતા યોગાભ્યાસને પોતાની દિનચર્યાનો હિસ્સો બનાવવાની અપીલ કરે છે.

————-.

માતાપિતા અને શિક્ષકને પત્ર
વડાપ્રધાનના માતાપિતાને શીખ આપતાં પત્રનું હાર્દ કંઈક આમ છે કે તમારા બાળકના સૌથી સારા માર્ગદર્શક તમે જ છો. તમે જ તેને સૌથી નજીકથી અને સારી રીતે જાણો છો. અપેક્ષાઓનો બોજ સ્કૂલ બેગથી પણ વધુ ભારે હોય છે. તમારી અધૂરી ઇચ્છાઓ તમારા બાળકો ઉપર થોપતા એકબાજુ તેમનું હસતું-રમતું બાળપણ છીનવાઈ જાય છે. બીજી બાજુ બાળકને પોતાની રંગછટામાં ખીલતું જોવાનો માતાપિતાનો આનંદ અને સંતોષ મરી જાય છે. એ ખરું છે કે આજે સમયનો અભાવ રહે છે, પરંતુ તમારા બાળકો સાથે થોડો ક્વૉલિટી ટાઇમ વિતાવો.

શિક્ષકોને શીખ આપી છે કે દરેક વિદ્યાર્થી વિશેષ છે અને તેણે અનંત સંભાવનાઓ પોતાની અંદર સમાવી છે. શિક્ષક જ તે દરેકમાંથી જે સર્વશ્રેષ્ઠ છે તેને બહાર લાવવાની ક્ષમતા અને કૌશલ્ય ધરાવે છે. વિદ્યાર્થીઓને પુસ્તકો સિવાય ઘણું શીખવું, જાણવું હોય છે, વિદ્યાર્થીઓને મૌલિક અને વ્યવહારિક ચિંતનની ભૂખ જગાવવામાં શિક્ષકની ભૂમિકા મહત્ત્વની હોય છે.

——————————–.

You might also like