ભરૂચ ડબલ મર્ડર કેસમાં દાઉદ ગેંગની સંડોવણી ખૂલતાં ચોંકી ઊઠેલું પોલીસ તંત્ર

અમદાવાદ: ભરૂચના ભાજપના બે નેતાઓની હત્યામાં દાઉદ ગેંગની સંડોવણી ખૂલતાં પોલીસ તંત્ર ચોંકી ઊઠયું છે. આ હત્યા કેસની તપાસ કરી રહેલી એજન્સીને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં ડી ગેંગના હિટ લિસ્ટમાં અન્ય કેટલાક નેતાઓના નામ હોવાનો અને ભરૂચના ભાજપના આ બંને નેતાઓની હત્યા છોટા શકીલના ઇશારે થઇ હોવાનું ખૂલ્યું છે.

તા.ર નવેમ્બર, ર૦૧પના રોજ ભાજપના નેતા શિરીષ બંગાલી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા થઇ હતી. ચોંકાવનારી આ ઘટનાની તપાસ જુદી જુદી એજન્સીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં એટીએસનો પણ સમાવેશ થતો હતો. એટીએસએ આ કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં કુલ નવ શખ્સની ધરપકડ કરી છે. એટીએસના ઉચ્ચ અધિકારીઓએ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ ઘટનામાં અન્ડરવર્લ્ડના ડોન દાઉદની સંડોવણી હોવાનું ખૂલ્યું હતુંં અને આ હત્યા છોટા શકીલના ઇશારે થઇ હતી. ગુજરાતના ચાર નેતાઓની હત્યા કરવા માટે રૂ.પ૦ લાખની સોપારી પણ આપવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં એવું પણ જાણવા મળ્યું હતું કે હત્યા માત્ર શિરીષ બંગાળીની જ કરવાની હતી, પરંતુ પ્રજ્ઞેશ મિસ્ત્રી ત્યાં હાજર હોઇ તે પણ ઝપટમાં આવી ગયા હતા. ડી ગેંગ તરફથી સુરતમાં ફંડ કોને મોકલવામાં આવ્યું હતું તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પકડાયેેલા ગુનેગાર યુનુસ મંજર અને ઇનાયત બાલાઅે આ ઓપરેશન પાર પાડવા છોટા શકીલે દુબઇથી રૂ.પાંચ લાખ મોકલાવ્યા હોવાની પણ કબૂલાત કરી છે.

You might also like